રાજ્યના વહીવટમાં પારદર્શિત વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ ઝડપથી આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અમલમાં આવ્યો છે. જે હેઠળ વ્યક્તિલક્ષી રજૂઆતોના નિકાલ માટે આવક, જાતિ, ક્રિમિલિયર, ડોમિસાઇલ, પ્રમાણપત્રને લગતા દાખલાઓ તેમજ રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, રાજ્ય સરકારની કૃષિ, પશુપાલન, સહકાર, વાહન વ્યવહાર, ઇ-સ્ટેમ્પિંગ સેવા, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણની યોજનાઓ હેઠળ વ્યક્તિલક્ષી લાભો માટે અરજીઓ વરિષ્ઠ નાગરિક્તા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાના લાભ જેવી અનેક અરજીઓ સ્વીકારવામાં આવી હતી.
સેવા કાર્યક્રમ સ્થળ પર જે તે અરજદાર રજૂઆત લઇને આવ્યા ત્યારે રજૂઆતના ગુણદોષ, રજૂ કરેલા તથ્યો અને જરુરિયાત પ્રમાણે સ્થળ મુલાકાત કરીને રજૂઆતોનો સ્થળ પર નિકાલ લાવવા જિલ્લા વહીવટી તંત્ર તેમજ તાલુકા કક્ષાના તંત્ર દ્વારા મહેનત કરાઇ હતી. આ ઉપરાંત આવેલા લાભાર્થીઓને આજના દિવસે જ પ્રશ્નોના નિવારણ લાવવાના પ્રયાસો કર્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોનો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.