મહીસાગર: તાજેતરમાં કોરોના વાયરસના સમયગાળામાં રાત્રિના 2:00 વાગ્યાના સમયમાં કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માનસિક અસ્વસ્થ અજાણી 35 વર્ષિય મહિલા મળી આવી હતી. આ મહિલાને આશ્રય મળી રહે અને યોગ્ય હૂંફ અને જરૂરી વાતાવરણ મળી રહે તે માટે કોઠંબા પોલીસ સ્ટેશનથી આ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકવામાં આવી હતી.
સખી વન સ્ટોપ સેન્ટેર ખાતે આ મળી આવેલી મહિલાનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલીંગ દરમિયાન આ અજાણી મહિલાએ તેણીનું નામ લીલાબેન મગનભાઇ ખરાડી તેવું જણાવ્યુ હતું. પરંતુ તેઓ ચોકકસ તેણીનું ગામનું નામ જણાવતી ન હતી. આમ, આ મહિલા પાસેથી જરૂરી વિગતો મળે તે હેતુથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પ્રેમ, હૂંફ અને લાગણી ભર્યા વાતાવરણનું નિર્માણ કરી તેણીને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જેમ કે, કપડા તથા સવાર-સાંજ ચા-નાસ્તો અને બે ટાઇમ જમવાનું આપવાની સાથે મેડીકલ સારવાર અર્થે કોટેજ હોસ્પિટલમાં મનોચિકિત્સક સારવાર આપવામાં આવી હતી.
આ સમય દરમિયાન કોઠંબા પોલીસ સ્ટેશન અને સખી વન સ્ટોપ સેન્ટરના કર્મીઓએ મળી લીલાબેનને પરિવારની પૂછપરછ ચાલુ રાખી હતી. તેણીએ આપેલ વિગત મુજબ અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામના જમાદાર સાથે સંકલન કરતાં તેણીના વાલી-વારસ મળી આવ્યા હતા.આ મહિલા લીલાબેન ખરાડી લોકડાઉન સમયથી એટલે કે ચાર-પાંચ માસથી પરિવારથી વિખૂટી પડીને મહીસાગર જિલ્લામાં આવી ગયા હતા.
લીલાબેન તેમના પરિવારના સભ્યોને જોઇ ખુશખશાલ થઇ ગયા હતા. લીલાબેનના પરિવારની કોઠંબા પોલીસ સ્ટેશનના PSI રાઠોડ તથા સખી વન સેન્ટરના કેન્દ્ર સંચાલક દિપીકાબેન ડોડિયાર, ડેટા વર્કર રેખાબેન ડામોર તથા સ્ટાફે સંયુકત સંકલન કરીને લીલાબેનના પરિવારની શોધખોળ કરીને પરિવાર સાથે પુન:સ્થાપન કરાવ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા લીલાબેનને લેવા આવનાર પરિવારજનોને લીલાબેનની માનસિક બિમારીની સારવાર કરાવવાની સલાહ આપવાની સાથે તેણી એકલી ઘરની બહાર ન નીકળી જાય તેની ખાસ તકેદારી રાખવા પણ જણાવાયું હતું.
પરિવાર સાથે મિલન થતાં લીલાબેનના પરિવારે કોઠંબા પોલીસ સ્ટેશન અને સખી વન સ્ટોપ સેન્ટર પ્રતિ આભારની લાગણી વ્યકત કરી હતી. સખી વન સ્ટોપ સેન્ટર આટલે જ નથી અટકી ગયું પરંતુ પરિવાર સાથે મિલન થયા બાદ લીલાબેનના પરિવાર સાથે સંકલનમાં રહીને તેણીની સારવાર ચાલુ કરી છે કે નહીં તેની અને હાલમાં કેવું ચાલે છે તેની પણ કાળજી લઇ રહ્યું છે. આમ, લોકડાઉન દરમિયાન ચાર-પાંચ માસથી માનસિક અસ્વસ્થંતાના કારણે પરિવારથી વિખૂટી પડી ગયેલ લીલાબેન માટે સાચા અર્થમાં સખી વન સ્ટોપ સેન્ટર સખી બની ગયું હતું.