મહીસાગર: રાજયના કિસાનો હિતાર્થે ગુજરાત સરકાર દ્વારા મુખ્યપ્રધાન કિસાન સહાય યોજના તેમજ કૃષિક્ષેત્રે નવીનતમ સંશોધનો, ભલામણો તેમજ કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓથી ખેડૂતો માહિતગાર થાય અને તેનો મહત્તમ લાભ લેતા થાય તે હેતુસર મહીસાગર જિલ્લામાં કિસાનો માટે મુખ્યપ્રધાન કિસાન સહાય યોજના કાર્યક્રમનું સરકારની કોવિડ-19 ની ગાઇડ લાઇનના ચૂસ્તપણે પાલન સાથે પ્રથમ કાર્યક્રમ ખાનપુર તાલુકાની કે.એમ.દોશી હાઇસ્કૂસલ બાકોર-પાંડરવાડાના હર્ષ મેમોરિયલ હોલ ખાતે સાંસદ રતનસિંહ રાઠોડ અધ્યેક્ષ સ્થાને, ધારાસભ્ય જીજ્ઞેશભાઇ સેવક અને મહીસાગર જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ કલાવતીબેન ચૌહાણના અતિથિ વિશેષ પદે તેમજ જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની ઉપસ્થિતિમાં મંગલદીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સાંસદે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉન્નત ખેતી સમૃધ્ધ ખેડૂતના મંત્રને સાર્થક કરતાં ખેડૂતો અને પશુ પાલકો માટેની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. કુદરતી આપત્તિ જેવી કે અતિ વૃષ્ટી, અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદ સમયે ખેડૂતોને થતા પાક નુકશાન સામે સહાય આપવાની મુખ્યપ્રધાન કિસાન સહાય યોજનાનો લાભ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોચે તે માટે સંવેદનશીલ રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે લુણાવાડાના ધારાસભ્ય સેવકે જણાવ્યું હતું કે કુદરતી આપત્તીથી થયેલી પાક નુકશાન સામે રાજ્યના બધા ખેડૂતોનો સમાવેશ થાય અને સરળતાથી લાભ મળે તેમજ તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લે તેવી રાજ્ય સરકારની આ યોજના આવકારદાયક છે.
પ્રાસંગિક ઉદૃબોદનમાં જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત ખેડૂતોને આ યોજના ઉપરાંત સરકારની ખેડૂતો અને પશુપાલકો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરી તેનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે શાબ્દીક સ્વાગત તેમજ ખેતીવાડી શાખાની નવીન સહાય યોજનાનું માર્ગદર્શન જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.જે. પટેલ અને આત્મા પ્રોજેક્ટની નવીન પ્રાકૃતિક કૃષિની યોજનાઓ વિશે આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર એ.આઇ.પઠાણ તેમજ પશુપાલન શાખાની નવીન સહાય યોજનાઓનું માર્ગદર્શન નાયબ પશુપાલન નિયામક એમ.જી.ચાવડાએ આપ્યું હતું.તેમજ નાયબ ખેતી નિયામક જે.ડી પટેલે આભાર દર્શન કર્યુ હતું.
મહીસાગર જિલ્લામાં બીજો કાર્યક્રમ સંતરામપુર તાલુકાના સીમલીયા ખાતે સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઇ ડિડોંર તેમજ જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રિકાબેન ભાભોર, APMC ચેરમેન ભુલાભાઇ પટેલ સહીત પ્રગતિશીલ ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં બાકોર પાંડરવાડા અને સીમલીયા ખાતે યોજાયેલા મુખ્યપ્રધાન કિસાન સહાય યોજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂતો સર્વ રામસિંહ ગઢવી, વિઠૃલભાઇ પટેલ, પરમાભાઇ વણકર, બાબુભાઇ પટેલ, પર્વતભાઇ ડામોર, ભરતભાઇ બારીયાનુ પ્રમાણપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોવિડ-19 અંતર્ગત તમામ ઉપસ્થિતોને માસ્ક સાથે પ્રવેશ તેમજ હેન્ડ સેનેટાઇઝ, થર્મલ ગનથી ટેમ્પરેચર ચેકીંગ, સોશિયલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.