મહીસાગરઃ લુણાવાડા કોરોના વાઇરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને માત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે..
મહીસાગર જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઇ રહે અને તેઓનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે જિલ્લા-તાલુકા વહીવટી-આરોગ્યે તંત્ર સતત તેઓની ફરજો અદા કરી રહ્યું છે. તદ્અનુસાર આ શનિવારે સંતરામપુર નગરપાલિકા વિસ્તારની પ્રાંત અધિકારી, મામલતદાર તથા ચીફ ઓફિસરએ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન આ અધિકારીઓએ નગરપાલિકા વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું છે કે, કેમ તેનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન જે દુકાનદારો પર આ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું ન હોવાનું જણાઇ આવેતા ચાર દુકાનો સામે નિયમાનુસારની કાર્યવાહી કરી દુકાનોને સીલ કરવાની સાથે તેઓની પાસેથી નિયમાનુસાર દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અધિકારીઓએ મુલાકાત દરમિયાન તમામ નાગરિકોને માસ્કનું મહત્વ સમજાવાની સાથે આપણી જિંદગી આપણા હાથમાં સૂત્ર અપનાવીને અન્યમ જરૂરી કામ માટે ઘરની બહાર જઇએ ત્યારે અવશ્ય માસ્ક પહેરીને જ નીકળવા અને જરૂર કામ વગર ઘરની બહાર ન નીકળવા સમજાવવામાં આવ્યા હતા. તેમજ બહાર જઇએ ત્યારે જરૂરથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને વારંવાર સાબુથી હાથ ધોવા/સેનીટાઇઝ કરવા અંગેની પણ સમજ આપવામાં આવી હતી.