મહીસાગર: લોકડાઉન સમય દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરિયાણું, શાકભાજી, દૂધ તથા મેડિકલ સ્ટોર જેવી આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે સરકારની સૂચના મુજબ જાહેર જનતાને છૂટછાટ આપવામાં આવેલી છે. તેમ છતાં આવશ્યક ચીજવસ્તુઓના બહાના હેઠળ કેટલાક ઇસમો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા વારંવાર ખાનગી વાહનો પર વ્યાજબી કારણો વગર રોડ પર બિનજરૂરી અવરજવર કરતા હોય છે. આ સમયગાળામાં બિનજરૂરી ગતિવિધિ નિયંત્રિત થાય તે ખૂબ જરૂરી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર. ઠક્કર દ્વારા એક જાહેરનામું બહાર પાડી મહીસાગર જિલ્લાના તાલુકા મથક તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં ખાનગી વાહનોનો ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જિલ્લામાં લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં તેમજ ખાનપુર, કડાણા તાલુકા મથકમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-188, ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131, 135 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51થી 58 મુજબ શિક્ષાને પાત્ર થશે.