મહીસાગરઃ લુણાવાડા તાલુકાના ઉંદરા ગામના વિરણીયા ફળિયામાં રહેતી સગર્ભા ભાવનાબેનને પ્રસૂતિના છેલ્લો મહિનો હતો. તે દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગની ચકાસણીમાં તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં પરિવારજનો માથે આભ તૂટી પડ્યું હતું.
સગર્ભા ભાવનનાબેનને લુણાવાડા જનરલ હૉસ્પિટલ ખાતેથી વધુ સારવાર માટે વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતી. તે જોઈને મહિલાનો પરિવાર ચિંતામાં મૂકાયો હતો. ત્યારે મહિલાના પતિ રણજીતને ઉંદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડૉ. રવિ શેઠ અને બિપીન સેવક, હેલ્થ વર્કર હિનાબેન, ચોકિયાત સહિત આરોગ્યકર્મીઓ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવતું હતું.
વડોદરા ખાતે કોરોના વોરિયર્સ આરોગ્યકર્મીઓના અવિરત સેવાઓના કારણે કોવિડ-19ની સારવાર વચ્ચે સગર્ભા ભાવનાબેને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. જ્યાં રસીકરણ કરવામાં આવ્યું હતું તથા માતા અને બાળકનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તેમને વડોદરા ખાતેથી રજા આપવામાં આવી હતી.
વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે મળેલી આરોગ્ય સેવાઓ તેમજ મહીસાગર જિલ્લાના કોરોના વોરિયર્સ તંત્રએ સતત પડખે રહી કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પરિવારજનોને માર્ગદર્શન આપવા બદલ તેમણે સમગ્ર તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.