મહીસાગર: લોકડાઉનના સમયમાં સરકાર દ્વારા વિવિધ ગરીબ કલ્યાણ યોજનાઓ દ્વારા ગરીબોને સહાય આપવામાં આવી રહી છે. જે અંતર્ગત જે મહિલાઓ પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત ઝીરો બેલેન્સથી બેન્ક ખાતા ધરાવે છે તેવી મહિલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મળ્યો છે. લોકડાઉનમાં મહિલા લાભાર્થીઓના બેન્ક ખાતામાં પ્રથમ હપ્તાના જમા થયેલા પાંચસો રૂપિયા બેન્કમાંથી મળતા મહિલા લાભાર્થીઓ માટે આ સહાય આશીર્વાદ સ્વરુપ બની છે.
દેશમાં કોરોનાની મહામારી ફેલાય નહીંં તે માટે લોકડાઉન ચાલી રહ્યું છે અને આવા સમયે રોજે-રોજ કમાઈ, દાડીયુ કે મજૂરી કરનારી મહિલાઓને આ સમય દરમિયાન કામ ન મળે તો તેનો જીવન નિર્વાહ કેવી રીતે ચાલે એ બાબતનો વિચાર કરીને સરકાર દ્વારા 26 માર્ચના રોજ 1.70 લાખ કરોડનું વિશેષ પેકેજ મંજૂર કરવામાં આવ્યું હતું અને જે પેકેજમાંથી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આગામી ત્રણ મહિના સુધી માસિક રૂપિયા 500 આપવાનો નિર્ણય કર્યો.
જે મહિલાઓ પ્રધાનમંત્રી જન ધન યોજના દ્વારા ઝીરો બેલેન્સથી બેન્ક ખાતા ધરાવતા હતા તેવી મહિલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મળ્યો છે. મહિલા લાભાર્થીઓના બેન્ક ખાતામાં 500 રૂપિયાનો પહેલો હપ્તો જમા થયો છે જેના લીધે મહિલાઓને રાહત મળી છે.
મહીસાગર જિલ્લાની 27983 મહિલાઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મળવાથી મહીસાગર જિલ્લાની લાભર્થી મહિલાઓને ઘણી રાહત મળી છે લાભાર્થી મહિલાઓ બેન્ક ઓફ બરોડા દ્વારા નિમાયેલા બેન્ક મિત્ર પાસેથી બેંકમાં જમા થયેલ સહાય મેળવી રહ્યા છે. કોવિડ-19 ના લીધે લદાયેલા દેશવ્યાપી લૉકડાઉનના સમયમાં મળેલ આ સહાય લાભાર્થી મહિલાઓ માટે આર્શીવાદ સ્વરૂપ બની છે અને મહિલાઓ નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરી રહી છે.