મહીસાગરઃ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવા સમયે લોકોની સુરક્ષાને ધ્યાને લઈ મહીસાગર જિલ્લાના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તેમની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી રહ્યા છે.
લોકડાઉનના સમય ગાળામાં ઘરે રહો.. સુરક્ષિત રહોના સંદેશ સાથે મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દેસાઇએ જણાવ્યું કે, જિલ્લાની પોલીસ દ્વારા આંતર જિલ્લામાંથી આવતા વાહનોના ચેકીંગ અને લોકડાઉનનો પણ સ્વેચ્છાએ અમલ થઈ શકે તે માટે જિલ્લામાં વધુ નવા ચેક પોઈન્ટ ઉભા કરી વાહનોના સઘન ચેકીંગની સાથે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં DYSP, PI, PSI અને પોલીસકર્મીઓ તથા GRD હોમગાર્ડના જવાનો સતત કાર્યરત છે. આ પોલીસ ટીમ દ્વારા પોલીસ સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા સમયાંતરે લોકજાગૃતિ સાથે જરૂરી સૂચનાઓની પોસ્ટ કરી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ કપરા સમયમાં ગરીબ પરિવારો-ભિક્ષુકો ભૂખ્યા ન સૂવે તે માટે જિલ્લાના અલગ-અલગ સ્થળોએ પોલીસ દ્વારા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ભિક્ષુકો અને ગરીબો માટે ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. તેમજ લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે પોતાની દૂકાનો ખુલ્લી રાખી લોકોને સગવડ પૂરી પાડતા વેપારીઓને પણ પોતાનું સ્વાસ્થ્ય જળવાય માટે દુકાને આવતા ગ્રાહકો સાથે પણ સામાજિક અંતર જળવાય તેનું ધ્યાન રાખવા સમજણ આપવામાં આવી છે.
આ ઉપરાંત શાક માર્કેટમાં પણ લોકોની ભીડને ધ્યાને લઈ પોલીસ વિભાગ દ્વારા લોકોને સોસાયટીમાં જઈ શાક વેચવા સમજૂતી કરવામાં આવી છે. આ કપરી પરિસ્થિતિમાં પણ દેશ, રાજ્ય અને જિલ્લાની પોલીસ 24 કલાક સતત ખડેપગે રહી લોકોના આરોગ્યની ચિંતા કરી કટીબધ્ધતા સાથે કામ કરી રહી છે, ત્યારે આપણે પણ ઘરમાં રહીને જ આપણા માટે સેવારત પોલીસ કર્મીઓને તેમના કાર્ય માટે બિરદાવીએ અને સરકારના નીયમાનું પાલન કરીએ અને સપોટ કરીએ જેથી આ કારોનાની મહામારીને અટકાવી શકીએ.