મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણીયા ગામમાં રહેતા 33 વર્ષના દીપ્તિબેન પટેલના પતિ ખેડૂત હતા. તેઓ તેમના માતા-પિતાને સારવાર અર્થે નડિયાદ લઈ ગયા હતા જ્યાંથી પરત ફરતા તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં તેમનું મોત થયું હતું.
આ અણધારી આફતથી દીપ્તિબેન અને તેમના બે સંતાન પર નાની ઉંમરે આભ તૂટી પડ્યું હતું. તેઓ નિરાધાર થઇ ગયા હતા. તેવામાં તેમને ખબર પડી કે સરકાર દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિ જો ખેડૂત ખાતેદાર હોય તો અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારને ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની સહાય અને જો અકસ્માત દરમ્યાન કાયમી અપંગતા આવે તો એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
આ સરકારી યોજનાનો લાભ દીપ્તિબેનને મળે તે માટે તેમના પરિવાર દ્વારા મહીસાગર જિલ્લાના વહીવટી તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો અને તે માટે જરૂરી પુરાવા રજૂ કરવામાં આવ્યા. આ પુરાવાના આધારે દીપ્તિ બેન પટેલને તેમના પતિ હિતેશભાઈ પટેલ, સસરા લક્ષ્મીદાસ પટેલ તેમજ સાસુ દિવાળીબેન પટેલ આ ત્રણે વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવાના કારણે એક વ્યક્તિના બે લાખ રૂપિયા સહાય મુજબ ત્રણ વ્યક્તિની છ લાખ રૂપિયા સહાય મળી. આ સહાય મળતાં આજે દીપ્તિબેનને પોતાના સંતાનો સાથે જિંદગી સારી રીતે જીવી રહ્યાં છે અને સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.