લુણાવાડાઃ કોરોના વાઈરસના સંક્રમણના ફેલાવાને અટકાવવા તેમજ જિલ્લાને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા અનેકવિધ સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. તે સંદર્ભે જિલ્લા કલેક્ટર આર.બી બારડે જરૂરી સલાહ સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.
કોરોના વાઇરસ અંતર્ગત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 50 આઇસોલેશન બેડ, 3 વેન્ટિલેટર, ન્યુ કે.એમ.જી. હોસ્પિટલમાં 100 બેડનો આઇસોલેશન, 4 વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને હોસ્પિટલ ખાતે 7 એમ.બી.બી.એસ., 5 સ્પેશિયાલિસ્ટ, 5 ફાર્મસીસ્ટ ડોકટર્સની ટીમ 32 જેટલા નર્સ સ્ટાફ સાથે મૂકવામાંં આવી છે. જિલ્લાના બાલાસિનોર, લુણાવાડા, વિરપુર, કડાણા, સંતરામપુરમાં કુલ મળીને 219 બેડની ક્વોરનટાઈન માટે સુવિધા કરવામાં આવી છે.
અન્ય જિલ્લામાંથી મહિસાગર જીલ્લામાં પોતાના વતનમાં પરત ફરેલાની સંખ્યા 30733 છે. જેમાં 25152 વ્યક્તિઓનું હોમ ક્વોરનટાઈન પૂર્ણ થયું છે. મહીસાગર જીલ્લામાં અગાઉ કોવિડ-19ના 15 સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેમાંથી 6 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. તેમજ 36 પ્રોગ્રેસિવ સેમ્પલમાંથી 27 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
જિલ્લામાં અત્યાર સુધી શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા તે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. એટલે કે આજદિન સુધી જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ત્યારે મહિસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડે મહીસાગર વાસીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે, આપણા માટે આ સમય વધુ સજાગ અને સતર્ક રહેવાનો છે તથા લોકડાઉનનું પૂર્ણ પાલન કરવાનો છે. જેથી કોરોનાના સંક્રમણથી બચી શકાય.