બાલાસિનોર નગરપાલિકાના MGVCL વીજ બિલ પેટે 68 લાખ રૂપિયા જેટલી રકમ બાકી રહેતા MGVCL કંપનીએ તારીખ 7-12-2019 ના દિવસથી બાલાસિનોર ટાઉન વિસ્તારની સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું. જેના કારણે બાલાસિનોર નગરમાં અંધારપટ છવાઇ ગયો હતો.
બાલાસિનોર MGVCL નાયબ ઈજનેરના જણાવ્યા મુજબ નગરપાલિકાએ સાત લાખ રૂપિયા MGVCL કચેરીએ ભર્યા હતા.પરંતુ ઉપલી કચેરીની સુચના મુજબ બાકી રકમમાંથી 50 ટકા રકમ ભરપાઈ થાયતો નગરની સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ પુનઃ ચાલુ કરી શકાય તેમ છે.
બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ ચાલુ વર્ષના કોઈ પણ નાણાં ભરપાઈ કરવાના બાકી નથી પરંતુ છેલ્લા ત્રણ વર્ષના નાણાં જે બાકી હતા. તેમાંનાં 9 લાખ રૂપિયા જેટલી રકમ ચુકવવામાં આવી છે.
હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે છેલ્લા પંદર દિવસથી નગરમાં અંધારપટ છવાયેલો રહેતા રસ્તા ઉપર અકસ્માત કે રાત્રીના સમયે ચોરીના બનાવ ન બને તે માટે સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન જલ્દી હલ થાય તેમ નગરજનો ઈચ્છી રહ્યાં છે.