જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ટાઉન વિસ્તારમાં ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે. ફૂટપાથ ઉપર લારી, ગલ્લા તેમજ હોટલ માલિકના દબાણો સામે સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લુણાવાડા શહેર વિસ્તારમાં આવેલી સ્કૂલો કોલેજોમાં વિદ્યાર્થીઓ અવરજવર કરતાં હોય તે જગ્યાએ સ્પીડ બ્રેકર મુકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના તમામ માર્ગો પર "સીટ બેલ્ટ પહેરો સુરક્ષિત રહો", "હેલ્મેટ પહેરો જિંદગી બચાવો" તેમજ ભયજનક વળાંક તેમજ આગળ સ્કૂલ છે તેવા સાઇન બોર્ડ મૂકી જિલ્લા ટ્રાફિક પોલીસે સતત પ્રયત્નશીલ રહી કામગીરી કરી છે.
જિલ્લાના વિવિધ માર્ગો ઉપર વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં ચાલકો વિરુદ્ધ દંડ વસૂલાત કરી તેમજ કાયદાનું પાલન ન કરનારા માલિકના વાહન ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્પીડગનથી વધુ ગતિથી દોડતા વાહનોને નિયંત્રિત કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 111 જેટલા કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા 28 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.