લુણાવાડાઃ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં વન સ્ટોપ સેન્ટર સખી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ અતર્ગત સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાઓ સાથે કોઇપણ હિંસાના કિસ્સામાં તબીબી, કાયદાકીય, મનોવૈજ્ઞાનિક પરામર્શ જેવી વિવિધ સેવાઓ આ સેન્ટર પરથી મળી રહે છે. હિંસાથી પીડિત મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે એક માત્ર સ્થળ હોય તો સખી વન સ્ટોપ સેન્ટર છે. જયાં મહિલાઓને આપાતકાલીન સેવા, કાયદાકીય સહાય, પોલીસ સહાય, તબીબી સહાય, સામાજિક સમસ્યાઓમાં પરામર્શ-માર્ગદર્શન, હંગામી ધોરણે આશ્રમ જેવી સહાય કરવામાં આવે છે.
આ કોરોના મહામારીના સમયગાળામાં 24 મી સપ્ટેમ્બરના રોજ લુણાવાડા બસ સ્ટેશનમાંથી માનસિક અસ્વસ્થ અજાણી મહિલા 181 ટીમને મળી આવી હતી. આ મહિલાને રાત્રેના 10:00 વાગ્યે આશ્રય મળી રહે તેમજ યોગ્ય હૂંફ અને જરૂરી વાતાવરણ મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર મહીસાગર ખાતે મૂકવામાં આવી હતી.
આ મળી આવેલી મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કાઉન્સેલીંગ શરૂ કરવામાં આવ્યું છે. કાઉન્સેલીંગ દરમિયાન અજાણી મહિલાએ તેનું નામ જણાવ્યુ છે, પરંતુ તેઓના ગામનું ચોકકસ સરનામું જણાવતી ન હતી. આમ બીજા દિવસે આ મહિલા પાસેથી જરૂરી વિગતો મળે તે હેતુથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પ્રેમ, હૂંફ અને લાગણીભર્યા વાતાવરણનું નિર્માણ કરી તેણીને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સવાર-સાંજ ચા-નાસ્તો અને બે ટાઇમ જમવાનું આપવામાં આવે છે, આ સાથે મેડીકલ સારવાર તેમજ તેણીનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ફરીથી કાઉન્સેલીંગ કરવામાં આવ્યુ હતુ. જે દરમિયાન જાણવા મળ્યુ કે તેઓના સગાં-વ્હાલા મહિલાને જાહેર સ્થળોએ શોધખોળ કરતાં હતા. ત્યારે સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા ટેલીફોનીક જાણ કરવામાં આવી હતી.
આમ આ પીડીત મહિલાના વાલી વારસ મળી આવતાં 27 મી સપ્ટેમ્બર સુધી તેમને આશ્રય આપી તમામ સુવિધાઓ પુરી પડવામાં આવી હતી. તેમના વાલી-વારસોને સખી વન સ્ટોપ સેન્ટર મહીસાગર દ્રારા આ મહિલાને તેમના પરિવારને સોંપવામાં આવી હતી. આથી પરિજનોએ સખી વન સ્ટોપ સેન્ટર મહીસાગરનો સહ્દય આભાર વ્યકત કર્યો હતો.
આમ, માનસિક અસ્વસ્થતાના કારણે પરિવારથી વિખૂટી પડી ગયેલી મહિલા માટે સાચા અર્થમાં સખી વન સ્ટોપ સેન્ટર સખી બની ગયું હતું.