સુરતમાં તક્ષશિલા ટ્યુશન ક્લાસીસમાં બનેલી ઘટના બાદ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકા વિસ્તારોમાં ફાયર પ્રોટેક્શન અને ફાયર સેફટી અંતર્ગત ચકાસણી હાથ ધરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પાલિકા દ્વારા સર્વે હાથ ધરાયો હતો. જેમાં ફાયર સેફટીને ધ્યાનમાં લઈ બિલ્ડીંગની ઉંચાઇ, ચઢવા ઉતારવા માટે સીડીની સંખ્યા,પાણીની સુવિધા, ફાયર એલાર્મ, ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરી હતી. નગરમાં આવેલી હોટલો, શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલો, મોલ તેમજ બહુમાળી ઇમારતોને આવરી લેવાશે.
જેથી ફાયર NOC વગરના બિલ્ડીંગ ધારકોમાં ફફડાટ વ્યાપ્યો છે. લુણાવાડામાં આવેલી ક્રિસ્ટલ સ્કુલમાં પણ નગરપાલિકાના કર્મચારીઓએ સર્વે કરી ફાયર સુવિધાઓ અંગે ચેકિંગ હાથ ધર્યું હતું અને સર્વે બાદ ફાયર સુવિધા વગરના બિલ્ડીંગ માલિકોને નોટિસ આપી ત્રણ દિવસમાં જવાબ લઈ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.