લુણાવાડા: મહીસાગરના અંબાલાલભાઈ પટેલ અગાઉ પરંપરાગત ખેતી કરી ડાંગર, મકાઈ અને ઘઉં જેવા ખેતી પાકોની ખેતી કરતા હતા, પરંતુ તેમાં મજુરી ખર્ચ વધુ અને ઉપજ ઓછી હોવાના કારણે આર્થિક રીતે ખેતી પરવડતી નહોતી. અંબાલાલભાઈ સરકારના કૃષિ રથ અને કૃષિમહોત્સવ જેવા ખેડૂતો માટે પ્રેરક કાર્યક્રમોના માધ્યમથી ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગના સંપર્કમાં આવ્યા. આધુનિક સિંચાઇ પદ્ધતિ ટપક સિંચાઇ માટે સરકાર યોજનાનો લાભ લઈ અઢી એકરમાં ટપક સિંચાઇનું આયોજન કરી પાણીના ટીપે-ટીપાંનો ઉપયોગ કરી પાણીની બચત કરી પિયત વિસ્તાર વધાર્યો. નવતર ખેતી અને ખેતીમાં સતત નવા પ્રયોગો માટે ઉત્સુક તેમણે બાગાયતી ખેતી પાકો તરફ પ્રેરાયા.
આ ખેતીમાં મજુરી ખર્ચ ઓછો તથા ઉત્પાદન અને આવક વધુ મળી શકે છે. તેથી અંબાલાલભાઈએ મહીસાગર જિલ્લાની બાગાયત કચેરીનો સંપર્ક કરીને છુટાફૂલ પાકોની ખેતી વિશે માર્ગદર્શન તથા સલાહ મેળવી હતી. વધુમાં છુટા ફૂલોમાં બાગાયત ખાતાની સહાય પણ મળે છે. તે બધા પાસાઓને ધ્યાને લઇ બાગાયતી ખેતી કરવાનો નિર્ધાર કર્યો. બાગાયતી ખેતીમાં ખાસ કરીને ફૂલોની ખેતીમાં સારૂં વળતર રહેતું હોવાથી છુટાફૂલોની ખેતીમાં ગલગોટાની ખેતી કરવાની શરૂઆત કરી હતી.
તેઓ એક હેક્ટરમાં ગલગોટાની ખેતી છેલ્લા બે વર્ષથી કરે છે. ગલગોટાની માગ બજારમાં સારી હોવાથી દર બે-ત્રણ દિવસે રોકડા નાણાં મળે છે. તહેવારોમાં ફૂલોનું વેચાણ પણ સારું હોય છે. અઢી એકરના વિસ્તારમાંથી રૂપિયા 2,80,000 લાખની આવક મળી હતી. તેમાંથી ખેતી ખર્ચ રૂપિયા 40,000 બાદ કરતા ચોખ્ખો નફો રૂપિયા 2,40,000 માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં થયો હતો. તેમા છુટાફૂલોની ખેતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી તરફથી રૂપિયા 13,700 ની સહાય પણ મળી હતી. ગત્ત વર્ષના સારા અનુભવ પછી આ વર્ષે પણ બાગાયત વિભાગની છુટાફૂલની યોજના અંતર્ગત ગલગોટાની ખેતી કરી છે. તેમાં ફૂલ બેસવાની શરૂઆત થઈ ચૂકી છે. આ ઉપરાંત તેઓએ તેમની નિયમિત ખેતી સાથે શાકભાજીમાં રીંગણ, ગુલાબના ફૂલોની પણ ખેતી કરી છે. તેમની બાગાયતી ખેતીના સફળ અનુભવ પછી અન્ય ખેડૂતો પણ તે તરફ પ્રેરાયા છે.
વધુમાં પોતાની ખેતીમાં સતત નવું કરવા ઉત્સાહી અંબાલાલભાઈ જણાવે છે કે, લોકડાઉનના સમયગાળામાં યુ ટ્યુબ પર મશરૂમની ખેતીનો વીડિયો જોઈ તેમણે મશરૂમની ખેતી કરવાનો નવતર પ્રયોગ કર્યો હતો. ઘરમાં જ મશરૂમ ઉત્પાદન માટે પ્રારંભિક તબક્કામાં હાલોલથી બિયારણ અને જરૂરી સામગ્રી લાવી 60 બેગ તૈયાર કરી છે. અંદાજિત ચાર હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાંથી લગભગ લીલું મશરૂમ 125 કિલો અને સૂકું થયા પછી 25 કિલોનું ઉત્પાદન થવાની સંભાવના છે. જેની બજાર કિંમત આશરે 15,000 જેવી મળશે. તેઓનો પરિવાર આ ઘરમાં જ કરેલા મશરૂમની ખેતીના નવતર પ્રયોગ માટે આશાવાદી છે.
મહીસાગર જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરીના જણાવ્યા અનુસાર, જિલ્લામાં ફૂલ પાકોનું વાવેતર 215 હેક્ટર થી 225 હેક્ટર સુધી થાય છે. જેમાં ગુલાબ, ગલગોટા, સેવંતી, ગેલાડીયા વગેરે ફૂલપાકોનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા જુદા જુદા ઘટકો જેવા કે, દાંડી ફૂલો, કંદ ફૂલો, છુટાફૂલોમાં 25 ટકાથી માંડીને 40 ટકા સુધીની સહાય આપવામાં આવે છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નવી કાળીબેલ ગામના પ્રગતિશીલ ખેડૂત અંબાલાલભાઈ પટેલે ફૂલપાકોની ખેતી કરી રૂપિયા 2 લાખથી રૂપિયા 2,40,000 સુધીની આવક મેળવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા એક હેક્ટર વાવેતર માટે મુખ્ય સહાય પેટે 40 ટકા સહાય તથા રાજ્ય સરકાર દ્વારા પુરક સહાય પેટે 15 ટકા સહાય આપવામાં આવે છે. ગામના અન્ય ખેડૂતો માટે અંબાલાલભાઈની છુટા ફુલોની બાગાયતી ખેતી પ્રેરણા રૂપ બની છે.