મહીસાગરઃ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહીસાગર જિલ્લાની એનેમિક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરતપણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં અવાર-નવાર રકતદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
લુણાવાડા તાલુકાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, મોટા સોનેલા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ તેમજ રેડ ક્રોસ સોસાયટીની ટીમ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પનું ખૂબજ કાળજીપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું. જેથી કોઈ પણ રક્તદાતાને કોરોના વાઇરસનો ચેપ ન લાગે તે માટે દરેક ડોનરને નવી બેડશીટ પાથરીને જ રક્તદાન કરાવવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં રકતદાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમની થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ રક્તદાન કેમ્પમાં 30 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ શ્રેષ્ઠ મહાદાન છે. જે કોરોનાના દર્દી, એનેમિક સગર્ભા બહેનો અને થેલેસેમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે કોરોના મહામારીના સમય વચ્ચે પણ આ રક્તદાન કેમ્પ લોક ઉપયોગી બની રહ્યો હતો. આ સાથે આ રકતદાન કેમ્પમાં રકતદાન કરનારા દરેક રકતદાતાને રેડક્રોસ સોસાયટી પંચમહાલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.