લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણીના મતદાનનો પ્રારંભ શાંતિપૂર્વક વાતાવરણમાં યોજાઇ ગયો હતો. તેમજ નિર્ભયપણે નિષ્પક્ષરીતે તેમજ કાયદો અને વયવસ્થા જળવાય રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી. બારડના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયાની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આધારભૂત સુત્રોની મળતી માહિતી મુજબ દિવસ દરમ્યાન કુલ 51.23 ટકા સરેરાશ મતદાન થયું હતું. તેમજ ચૂંટણી પૂર્ણ થયા બાદ ચૂંટણી તંત્રએ તમામ બુથ પરના EVM મશીનોને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. લુણાવાડામાં આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. જેમાં તમામ EVMમાં ઉમેદવારોનું ભવિષ્ય મતદારોએ કેદ કર્યું હતું. ત્યારે આ જંગમાં હવે કોણ બાજી મારશે તે હવે 24મી તારીખે મતપેટીઓ ખુલશે ત્યારે જ બહાર આવશે.