મહીસાગરમાં ખેડૂતોએ હજારો હેક્ટરમાં ડાંગરની વાવણી કરી છે. આગામી દિવસોમાં વરસાદ સારો આવશે તેવી આશાથી ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે. પરંતુ છેલ્લા પંદર દિવસથી વરસાદ ન આવતા ડાંગરની ખેતી પાણીના અભાવે સુકાઈ રહી છે. આકાશમાંથી સૂર્યની ગરમી અને અસહ્ય ઉકળાટથી પાક નષ્ટ બનવાને આરે છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં ડૂબ્યા છે. ગત સમયે ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોએ ઉત્સાહથી ડાંગર, મકાઈ, કપાસ તેમજ દિવેલાની રોપણી કરી હતી. ત્યારે હવે વરસાદ લંબાતા ખેડૂતોને મોટું નુકસાન થતું જોવાઈ રહ્યું છે.
મહીસાગરના 6 તાલુકા મળીને કુલ 265 જેટલા ચેકડેમો છે, પરંતુ વરસાદ ન પડતા તે સૂકી હાલતમાં પડ્યા છે. જ્યારે કુવાઓના સ્તર નીચા ગયા છે. જેથી ખેડૂતોને ચોમાસુ પાકની ખેતીની ઉપજ મેળવવી મુશ્કેલ બની છે. તો બીજીબાજુ ખેતી માટે વીજળી ન મળતી હોવાની ખેડૂતોની ફરિયાદ યથાવત છે. આમ જિલ્લામાં પાણીના અભાવે ખેડૂતો ડાંગર તેમજ અન્ય પાકોની નુકશાની વેઠી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાક વિમામાં પણ જે લાભ મળવો જોઈએ એ પણ મળતો નથી.