આ શિવલિંગની દંતકથા પ્રમાણે કહેવાય છે કે લુણાવાડા પહેલા જંગલ વિસ્તાર હતું અને ત્યાં એક લુણી મહારાજની કુટીર આવેલી હતી. એક ભરવાડ આ જંગલમાં ગાયો લઈને ચરાવવા આવતો અને રોજ એક કામધેનુ ગાય આ શિવલિંગ પાસે આવીને ઉભી રહેતી અને ગાયના આંચળમાંથી દૂધની ધાર વહેતી હતી. ત્યારે લુણી મહારાજે આ જોયું. તેમણે તે જગ્યા સાફ કરી તો એક ગાયના પગની ખડી આકારનું શિવલિંગ હતું. લુણી મહારાજે આ વાત રાજાને કરી અને તે જગ્યાએ શિવાલય બનાવવા કહ્યું. રાજા દ્વારા શિવાલયની સ્થાપના કરવામાં આવી. આ શિવલિંગની શોધ લુણી નામના મહારાજે કરી હતી માટે જ આ શિવલિંગનું નામ લુણેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે. આ લુણેશ્વર મહાદેવ મંદિરના નામ પરથી લુણાવાડા શહેરનું નામ લાવણ્ય પુરી અને પછી સુધારીને લુણાવાડા રાખવામાં આવ્યું.
આ શિવલિંગ સ્વયંમ્ભુ શિવલિંગ છે અને તેનો આકાર ગાયના પગની ખડી જેવો છે. આ શિવ લિંગ પર કુદરતી ૐ ની નિશાની દેખાય છે અને મુખારવિંદ જેવા દેખાતા આ ચમત્કારિક મનોકામના સિધ્ધ શિવલિંગના દર્શન માત્રથી દરેક શિવભક્તની મનોકામના પરિપૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં ખુબજ મોટી સંખ્યામાં શિવ ભક્તો આ શિવાલયમાં સ્થાપિત શિવલિંગના દર્શન માત્રથી ધન્યતા અનુભવે છે. જન્માષ્ટમી, શિવરાત્રી, અને શ્રાવણ માસમાં સોમવારે અહીંયા મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન કરવા આવે છે.