કડાણા ડેમમાં પાણીની આવક 4 લાખ 31 હઝાર 885 ક્યુસેક થઈ છે. જ્યારે ડેમનું જળસ્ત 416.00 ફૂટ નોંધાયું છે. ડેમમાં પાણીની આવક વધતા કડાણા ડેમના 15 ગેટ 18 ફૂટ ખોલી 4,34,855 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યુ હતું. જેના કારણે મહી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેના લીધે મહીસાગર જિલ્લાનું વહીવટી તંત્ર સાબદુ બન્યું છે.
મહીસાગર જિલ્લા કલેકટર આર બી બારડની સૂચના અનુસાર, લુણાવાડા પ્રાંત અધિકારી, મામલતદાર અને ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓની એક ટીમ રાબડીયા પહોંચી હતી. જ્યાં રાબડીયા વિસ્તારના 35 જેટલા અસરગ્રસ્તોને રાબડીયા ગામમાં ઉંચાઈ પર આવેલ સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે રહેવા તથા જમવાની સુવિધાઓ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા મહી નદીમાં પાણી છોડવામાં આવતા લુણાવાડા તાલુકાના 3 ગામ, ખાનપુર તાલુકાના 5 ગામ અને કડાણા તાલુકાના 27 ગામ તેમ મળી કુલ 35 ગામને સાવચેતીના ભાગ રૂપે એલર્ટ રાખવામા આવ્યા છે.
મહી નદી પર આવેલા હાડોળ પુલ અને ઘોડિયાર પુલ પાણીમાં ગરકવા થતા પુલ પરનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વહીવટી તત્ર પણ સાબદુ છે અને નીચાણવાળા વિસ્તારમાં ટીમ સતત કાર્યરત છે. તો બીજી તરફ સમગ્ર મહીસાગર જિલ્લામાં ચોવીસ કલાકમાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં કડાણા તાલુકામાં 91 મીમી, ખાનપુર તાલુકામાં 42 મીમી, બાલાસિનોર તાલુકામાં 79 મીમી, લુણાવાડા તાલુકામાં 75 મીમી, વીરપુર તાલુકામાં 73 મીમી અને સંતરામપુર તાલુકામાં 24 મીમી મળી સમગ્ર જિલ્લામાં ચોવીસ કલાકમાં 394 મીમી એટલે કે 16 ઇંચ વરસાદ વરસ્યો છે.