બાકોર પોલીસ સ્ટેશન તથા બાકોર પોલીસ લાઇન તથા કડાણા પોલીસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમના પ્રાસંગીક ઉદબોધનમાં ગૃહરાજ્ય પ્રધાન જાડેજાએ ગુજરાત રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને સલામતીની સંવેદનશીલ સરકારની નેમને વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રજાજનોને સારી સુવિધા ઉપ્લબ્ધ થાય અને પોલીસ વિભાગને આધુનિક સગવડોવાળુ પોલીસ મથક મળે તે માટે સરકાર દ્વારા રૂ.1.40 કરોડના ખર્ચે મહીસાગર જિલ્લામાં આ બે પોલીસ મથકો અને પોલીસ લાઇનના લોકાર્પણ કરતા શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીએ મહિસાગર પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા જિલ્લો રાજ્યમાં ઓછો ક્રાઇમ રેટ ધરાવતો જિલ્લો છે. તેનાથી પણ વધુ સારી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાય તેવી અપેક્ષા છે તેમ જણાંવ્યુ હતું. વધુમાં તેમણે જિલ્લા પ્રભારી તરીકેના સંસ્મરણોને યાદ કર્યા હતા.
વધુમાં વાત કરીએ તો નાગરીક પુરવઠા નિગમના ચેરમેન પાઠકે જમીન ફાળવણી બાદ નવ નિર્માણ પામેલા પોલીસ સ્ટેશનો અંગે આવાસ નિગમને પ્રજા અને પોલીસની સુવિધા માટે ખુબ જ ટુકા ગાળામાં ત્વરીત કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ અને મહીસાગર પોલીસે દેશમાં શ્રેષ્ઠ પ્રધાન તરીકે પ્રદિપસિંહ જાડેજાને મળેલા સન્માન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રારંભમાં ગૃહ રાજ્ય પ્રધાને પોલીસ સ્ટેશન તથા બાકોર પોલીસ લાઇન તથા કડાણા પોલીસ સ્ટેશનનું તક્તિ અનાવરણ દ્વારા લોકાર્પણ કરી રીબીન કાપી બાકોર પોલીસ મથકને પ્રજાજનો માટે ખુલ્લુ મુકી તેની સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
આ સમારોહમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, જિલ્લા કલેક્ટર આર.બી.બારડે પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતું. જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ સૌને આવકાર્યા હતા. LCB PSI એચ.એન.પટેલે વિડીયો પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લા પોલીસ વિભાગની કામગીરીથી પ્રધાનો તેમજ ઉપસ્થિતોને અવગત કર્યા હતા. આ પ્રસંગે પદાધિકારીઓ, ગામના સરપંચ, પોલીસ વિભાગના અધિકારી, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.