લુણાવાડાઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સૂચનાઓ અનુસાર અને સરકારના કોવિડ-19ની ગાઇડલાઇનના ચુસ્ત પાલન સહ મહીસાગર જિલ્લામાં ધોરણ 10 માટે બે કેન્દ્ર અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ માટે બે કેન્દ્રો પરથી ઉત્તરવહીઓના મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલે જણાવ્યું કે, ધોરણ-10 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની જવાબવહિઓની ચકાસણીની શરૂઆત જિલ્લામાં થઈ ગઈ છે. આ કામગીરી માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સૂચના અનુસાર જિલ્લામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓની જવાબવાહિની ચકાસણીની કામગીરી માટે બે કેન્દ્રો અને ધો-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ માટે બે કેન્દ્રો નિયત કરવામાં આવ્યા છે. આ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર 348 જેટલા નિરીક્ષકો અને 48 અન્ય કર્મચારી, કેન્દ્ર વ્યવસ્થાપકની નિમણૂંક કરવામાં આવી છે.
વધુમાં પટેલે જણાવ્યું કે, આ મૂલ્યાંકન કેન્દ્રો પર ધોરણ 10 ના બે વિષયની કુલ 26982 જવાબવાહિઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની એક વિષયની કુલ 1200 અને સામાન્ય પ્રવાહના 3 વિષયની કુલ 20389 મળી કુલ 58571 જેટલી ઉત્તરવહીઓની ચકાસણીની કામગીરી કરવામાં આવશે.
જિલ્લા કલેકટર આર.બી બારડના માર્ગદર્શન હેઠળ ઉત્તરવહીની ચકાસણી માટે આવનાર નિરીક્ષકો અને અન્ય કર્મચારીઓને સ્થળ પર આવવા જવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. આર. ઠક્કર દ્વારા પાસની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી છે.
ચીફ ઓફીસર લુણાવાડા સંતરામપુર દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની સેનિટાઇઝેશનની કામગીરી કરી આપવામાં આવી છે. જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીની સુચના અનુસાર કેન્દ્રો પર આરોગ્ય ટીમની વ્યવસ્થા કરી આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવી છે. આ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે મૂલ્યાંકનની કામગીરીમાં આવતા નિરીક્ષકો અને અન્ય કર્મચારીઓ, કેન્દ્ર વ્યવસ્થાપકોએ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આપવામાં આવેલા કોવિડ-19 ની ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરી સામાજિક અંતર જાળવી તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરી ઉત્તરવહીઓની તપાસણીની કામગીરી કરવામાં આવી રહી છે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.