મહીસાગરઃ કોરોના વાઇરસની સામે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા અનેકવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. આજે જિલ્લામાં લુણાવાડા આરોગ્ય સ્ટાફમાંથી 58 વર્ષીય પુરુષ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હિંમતનગર ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આમ મહીસાગર જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 45 થઇ છે.
મળતી વિગત મુજબ શનિવાર સાંજ સુધીમાં જિલ્લામાં કોરોનાના 45 કેસ પોઝિટિવ આવેલા છે. તેમજ અત્યાર સુધી જિલ્લામાં કોવિડ-19 સંક્રમણને કારણે એક વ્યક્તિનુ મૃત્યુ થયું છે. તેમજ જિલ્લામાં સીઝનલ ફ્લુ/કોરોનાના કુલ 966 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત 3759 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
આ સાથે તેઓના કંટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં આરોગ્ય ટીમ દ્વારા સેનીટાઈઝેશન અને સર્વેલન્સની કામગીરી દૈનિક ધોરણે કરવામાં આવી છે. હોમ કવોરેન્ટાઇન તમામ વ્યક્તિઓની દૈનિક ધોરણે આરોગ્ય તપાસ/ફોલોઅપ કામગીરી આરોગ્યતંત્ર દ્વારા કરવામાં આવી છે.
જે અન્વયે કોઇપણ શંકાસ્પદ દર્દી જણાય તો તાત્કાલિક સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવે છે. મહીસાગર જિલ્લાના પોઝિટિવ આવેલા કેસોમાં વીરપુર, બાલાસિનોર, લુણાવાડા, કડાણા, ખાનપુર, સંતરામપુર ખાતે ક્લસ્ટર સર્વે કરવામાં આવ્યું છે.