મહીસાગર: ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઈ પાઠકના અધ્યક્ષસ્થાને કાર્યકમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રારંભમાં મહાનુભાવોના હસ્તે મંગલદીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સમારંભના અધ્યક્ષ રાજેશભાઇ પાઠકે જણાવ્યું કે, વર્તમાન સરકારે ખેડૂતોના કલ્યાણ અર્થે અનેકવિધ નવી યોજનાઓ અને સબસીડી આપીને ધરતીપુત્રોને આર્થિક રીતે પગભર કરવાનું કામ કર્યું છે. ગુજરાતમાં કિસાનોની આવક બમણી કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની સરકાર સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત અનેકવિધ યોજનાઓ થકી આગળ વધારી રહ્યા છે. રાજ્ય સરકારે સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત આ અગાઉ ચાર પગલાંથી ધરતીપુત્રો લાભાન્વિંત થઈ રહ્યા છે, ત્યારે બાકીના ત્રણ પગલાંઓનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફળ, ફૂલ શાકભાજીના વેચાણકારોને વિનામૂલ્યે છત્રીની યોજનાથી રોડ સાઈડ પર ખુલ્લી જગ્યામાં ફળ, ફૂલ,શાકભાજી તથા નાશવંત કૃષિપેદાશો વેચનારા નાના વેચાણકારોને લાભ મળશે.
વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય સમી કાંટાવાળી તારની વાડ માટેની યોજનાથી ખેડૂતોના મહામુલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે ખેતરક્ષક સાબિત થશે. સિમાંત ખેડૂતો અને ખેત મજુરોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ વાવણીથી લઇ કાપણી માટેના જરૂર સાધનોની કીટથી ખેડૂતો પોતાની ખેતીને વધુ સારી રીતે કરી શકશ. આ યોજના ખેડૂતોને મદદગાર બનશે.
મુખ્યપ્રધાનના સંબોધન બાદ લુણાવાડા, બાલાશિનોર અને વિરપરુ તાલુકાના લાભાર્થી ખેડૂતોને મહાનુભાવોના હસ્તે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે છત્રી-સ્માર્ટ હેન્ડ હેન્ડ ટુલ્સકીટ-કાંટાવાળી તારની વાડ યોજનાના મંજૂરીપત્રો અને મુખ્યપ્રધાનનો પત્ર અર્પણ કરવામાં આવ્યો હતો.
આજ રીતે મહીસાગર જિલ્લાના કડાણાના દીવડા કોલોની ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કુલમાં કડાણા, ખાનપુર અને સંતરામપુર તાલુકાના લાભાર્થી ખેડૂતોને સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન સરદારસિંહ બારૈયા અને સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઇ ડિંડોર તેમજ જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીની ઉપસ્થિતતમાં મહાનુભાવોના હસ્તે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે છત્રી-સ્માર્ટ ટુલ્સકીટ, કાંટાવાળી તારની વાડ યોજનાના મંજૂરીપત્રો અને મુખ્યપ્રધાનનો પત્ર અર્પણ કરવામાં આવ્યો હતો.