- મકાનમાં મહિલાઓ દ્વારા એક યુવતીનો ગર્ભપાત કરાતો હોવાનો વીડિયો વાઇરલ
- વાઇરલ વીડિયોમાં કેટલીક મહિલાઓ યુવતીને ખુલ્લામાં સુવાડીને કરી રહી હતી ગર્ભપાત
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું, તપાસ કરીશું અને કડક સજા અપાવીશું
ન્યૂઝ ડેસ્ક : મહીસાગર જિલ્લામાં એક યુવતીના ગર્ભમાં રહેલા ભૃણની કેટલીક મહિલાઓ દ્વારા હત્યા કરવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. 'માં'વતરના આ હત્યારાઓને શોધીને તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બાંહેધરી આપી છે.
શું હતું વીડિયોમાં..?
મહીસાગરના સંતરામપુરનો માનવામાં આવતો આ વીડિયોમાં કેટલીક મહિલાઓ એક યુવતીને ઉંઘાડીને તેના ગર્ભમાં રહેલા ભૃણને બહાર કાઢીને તેની હત્યા કરતી નજરે પડી રહી છે. ગોડાઉન જેવી દેખાતી જગ્યામાં આમ ખુલ્લેઆમ ગર્ભપાત કરતી મહિલાઓનો કોઈક વ્યક્તિએ વીડિયો ઉતારી લીધો હતો. આ મહિલાઓ કોઈપણ પ્રકારની તકેદારી વગર ગર્ભપાત કરતી નજરે પડી હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે.
જાણો શું કહ્યું સ્થાનિક આરોગ્ય અધિકારીએ ?
સંતરામપુરના આરોગ્ય અધિકારી સ્વપ્નિલ શાહે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમણે પોલીસની ટીમ સાથે સ્થળ પર જઈને તપાસ કરી છે. જ્યારબાદ તપાસ સમિતીની રચના કરીને ફરી વખત આ પ્રકારના કૃત્યો ન થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.
જાણો શું કહ્યું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ?
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, "ગર્ભપાત કરવો એ ગુનો છે અને આ પ્રકારના વીડિયોની હું ખુદ તપાસ કરાવીશ અને તેમાં શામેલ તમામ લોકોને કડકથી કડક સજા થાય તેનું ધ્યાન રાખવામાં આવશે." ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લામાં આ રીતે અનેક જગ્યાઓ પર ગોરખધંધા ચાલે છે. જિલ્લામાં અનેક વાર ડોક્ટરો પણ ગર્ભપાત કરતા પકડાયા છે. ત્યારે મામલો થાળે પડ્યા બાદ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પુન: શરૂ થઈ જતી હોવાનું પણ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
નોંધ : વાઇરલ થયેલો વીડિયો ETV Bharat પાસે પણ છે, પરંતુ આ મુદ્દાની ગંભીરતા અને માનવીય અભિગમને ધ્યાને લઈને વીડિયો અહીં રજૂ કરાયો નથી.