છેલ્લા પાંચ વર્ષોમાં બાગાયતી પ્રવૃત્તિઓ ઉપર સરકારે ઘણો ભાર મુકેલ છે. નેશનલ હોર્ટીકલ્ચર મિશન અને બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2013થી ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડના સેન્ટર ઓફ એકસેલન્સ કાર્યરત છે. માનવ સંસાધન વિકાસ તાલીમ અંતર્ગત જ્યાં અવાર નવાર ખેડૂતોને શાકભાજી પાકોની ખેતી અંગે પ્રત્યક્ષ નિદર્શન અને તાલીમ આપવામાં આવે છે. જેના પગલે બાગાયતી પાકોના વિવિધ ક્ષેત્રોએ નોંધપાત્ર વિકાસ સાધેલ છે.
દેશમાં ગુજરાતનું સ્થાન ફળ, પાકો, તથા શાકભાજી,પાકોમાં અન્ય રાજયો કરતાં આગળ રહ્યુ છે. બાગાયત વિભાગ તરફથી અમલી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો મુખ્ય ઉદેશ બાગાયતી પાકોનું ઉત્પાદન તથા ખેત આવકમાં વધારો કરવનો છે. રોજગારીની તકો વધારવી તથા કાપણી પછી બગાડ અટકાવી મૂલ્યવર્ધન કરવાનો છે. જે માટે વિવિધ તાલીમલક્ષી યોજનાઓ અમલમાં છે.
મહીસાગર જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા વદરાડના સેન્ટર ઓફ એકસેલન્સ શાકભાજી ખાતે તબક્કાવાર એક દિવસીય જિલ્લા બહારની મુલાકાત સાથે તાલીમ યોજવામાં આવી હતી જેમાં જીલ્લાના લુણાવાડા, કડાણા, સંતરામપુર અને ખાનપુર તાલુકાઓના 300થી વધારે ખેડૂતોએ મુલાકાત લઇ તાલીમમાં ભાગ લીધો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો સામેલ થઇ હતી.
ખેતીમાં રોજિંદા જીવનના ભાગરૂપે બાગાયતી પાકો અને એમાં પણ શાકભાજી પાકો વ્યક્તિના જીવનમાં સવિશેષ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત, શાકભાજી પાકો ટૂંકા ગાળામાં વધુ આવક આપતી ખેતી છે. પરંતુઆ આવક મેળવવા વૈજ્ઞાનિક અભિગમથી ખેતી, બજાર વ્યવસ્થા, સારું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન જેવી બાબતોનું ખેડૂતોને જ્ઞાન હોવું જરૂરી છે.
મહીસાગર જિલ્લાના બાગાયત વિભાગના સવિશેષ પ્રયાસોના ભાગરૂપે શાકભાજી પાકોની ખેતીના તમામ પાસાઓ આવરી ખેડૂતોને માર્ગદર્શનરૂપ થવા અને સમજ મળી રહે તે માટે વદરાડ ખાતે સેન્ટરની મુલાકાત સાથે તાલીમમાં પ્રથમ વાર 250થી વધારે મહિલાઓએ ભાગ લીધો હતો. આ તાલીમ નેટ હાઉસ, મોડેલ ફાર્મ, ગ્રીન હાઉસ,મશરૂમ તાલીમ અને પ્રત્યક્ષ નિદર્શન સાથે ખેડૂતોને બાગાયતી પાકોની ખેતી અને તેમાં શાકભાજી પાકોની ખેતી તરફ લઈ જવા સરકારના ઉમદા અભિગમ થકી ખેડૂતોની આવક બમણી કરવાનો છે. બાગાયત વિભાગ દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓની માહિતી સાથે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.
આ ઉપરાંત શાકભાજી ખેતીની વિવિધ પદ્ધતિઓની માહિતી, રોગ મુક્ત ધરૂ ઉછેર, શાકભાજી પાકો તથા તેની જાતોના નિદર્શનો તથા ચોકસાઈપૂર્વક ખેતી વિશે નિદર્શન અને સમજણ તેમજ શાકભાજીના ગ્રેડીંગ, પેકિંગ અને કાપણી પછીના વ્યવસ્થાપન માટેની શ્રૃંખલાવિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.