મહીસાગરઃ ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન ભારતે વિશ્વને યોગની ભેટ આપી છે. સ્વસ્થ અને નિરોગી જીવન માટે યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન પદ્ધતિ માટે પાયારૂપ માનવામાં આવ્યું છે. યુનો દ્વારા તંદુરસ્ત માનવ જીવન માટે યોગને મહત્વ આપવાના ઉદ્દેશ્ય સાથે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સમગ્ર વિશ્વમાં ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે વિશ્વ યોગ દિવસની ઉજવણી યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલી થીમ સાથે સમગ્ર વિશ્વએ યોગ દિવસની ઉજવણી કરી હતી. કોરોના સામેની લડાઇને વધુ મજબૂત કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યોગ કરીશું કોરોનાને હરાવી શું અભિયાન હાથ ધર્યું હતું અને આ અભિયાન થકી રાજ્યના તમામ લોકોને પોતાને મનગમતો યોગ કરી પોતાનો ફોટો #DoYogaBeatCorona કરી પોતાના અંગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જેમ કે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા આહવાન કર્યું હતું.
મુખ્ય પ્રધાનના આ આહવાનને જિલ્લા કલેક્ટર આર.બી બારડે મહીસાગર વાસીઓને યોગા એટ હોમ, યોગા વિથફેમિલીમાં પોતાના ઘરે જ રહી ને યોગ કરવા અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટર આર.બી.બારડે પણ પોતાના નિવાસસ્થાને યોગ કરીને જિલ્લાવાસીઓને જીવનમાં યોગ અને પ્રાણાયામને નિયમિત સ્થાન આપી રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને કોરોનાને હરાવવાનો સંદેશો પાઠવ્યો હતો.