લુણાવાડાઃ તાજેતરમાં કડાણા ડેમના ઉપરવાસમાં વધુ વરસાદ થતા કડાણા ડેમમાંથી લાખો કયુસેક જેટલું પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના પગલે મહીસાગર નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે મહીસાગર જિલ્લાના ઘોડીયાર, તાંતરોલી અને હાંડોડ બ્રીજ પાણીમાં ગરકાવ થતાં જિલ્લા તંત્ર દ્રારા સલામતીના ભાગરૂપે નાગરિકોની અવર-જવર અને વાહન વ્યવહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બંધ કરવામાં આવ્યો હતો.
પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા તંત્ર દ્રારા તેની ચકાસણી કરી તાંતરોલી અને હાંડોડ બ્રિજ સ્લેબ ક્ષતિગ્રસ્ત જણાતાં વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને R&Bના અધિકારીઓ-કર્મચારીઓની રાહબરી હેઠળ યુધ્ધના ધોરણે આ ત્રણેય બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યુ હતું.
જે પૈકી હાંડોડ બ્રિજ, તાંતરોલી અને ધોડિયાર બ્રિજનું સમારકામ પૂર્ણ થતાં વાહન વ્યનવહાર માટે કાર્યરત કરી દેવામાં આવ્યો છે. જે આજથી (શુક્રવાર) જાહેર જનતા અને વાહન વ્યવહાર માટે કાર્યરત થઇ જશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.