મહીસાગર : મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. મહીસાગર કડાણા ડેમમાંથી પાણી છોડાતાં હાડોડ બ્રિજ પાસેનો ઍપ્રોચ બંને બાજુ ક્ષતિગ્રસ્ત થતાં અવરજવર પર રોક લગાવવામાં આવી છે. અધિક જિલ્લા કલેકટર દ્વારા હાડોડ બ્રિજ પર અવરજવર 12 દિવસ સુધી બંધ કરવામાં આવી છે.
પુલનું નિર્માણ એક વર્ષ પહેલાં : જિલ્લા કલેકટર દ્વારા 12 દિવસ સુધી હાડોડ બ્રિજ બંધ થતા વાહન વ્યવહાર ઠપ થયો છે. અધિક જિલ્લા કલેકટરે જ્યાં સુધી યોગ્ય સુપરવિઝન કરી સમારકામ ન થાય ત્યા સુધી બંધ રાખવામાં આવ્યો છે. તેમજ લોકોની સુખાકારી માટે જેમ બને તેમ ઝડપી યોગ્ય કાર્યવાહી કરવા સબંધિત અઘિકારીઓને સૂચન કર્યુ છે. જ્યાં સુધી પુલનું યોગ્ય સમારકામ ન થાય ત્યા સુઘી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેના કારણે લુણાવાડા તાલુકાના કેટલાય ગામોના વાહન વ્યવહાર ઉપર અસર થવા પામી છે. આ બ્રિજ લૂણાવાડાથી અમદાવાદ અને ગાંધીનગરને જોડતાં માર્ગ ઉપર હાડોડ ગામે આવેલો છે. આ પુલનું નિર્માણ એક વર્ષ પહેલા કરાયું હતું.
પૂર્ણેશ મોદીના હસ્તે ઇ-લોકાર્પણ થયું : આ નવનિર્મિત પુલનું એક વર્ષ પહેલા તત્કાલીન રાજયના માર્ગ મકાનપ્રધાન પૂર્ણેશ મોદીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના લૂણાવાડા–ધોરીડુંગરી માર્ગ પર વિશ્વ બેંક યોજના હેઠળ રૂપિયા 18 કરોડના ખર્ચે મહીસાગર નદી પર હાડોડ ગામ પાસે હાઈલેવલ પુલનું નિર્માણ કરાયું હતું.
મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર : એક જ વરસાદ પડતા અને કડાણા ડેમનુ પાણી છોડાતાં બ્રિજમાં અનેક તિરાડો પડી છે. જેને લઈ અનેક સવાલો ઊઠી રહ્યા છે. બ્રિજમાં માત્ર એક વરસાદમાં તિરાડો પડી જતા અનેક અધિકારીઓ અને કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલ કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો સામે આવી રહી છે. ત્યારે લોકોનાં સુખાકારી માટે બનાવવામાં આવેલો અને વર્લ્ડ બેંકની દેખરેખ હેઠળ બનાવેલો પુલ જે 18 કરોડનાં ખર્ચે બન્યો હતો અને પુલની ડિઝાઇન લાઈફ 100 વર્ષની જણાવાઇ છ્. ત્યારે કડાણા ડેમ દ્વારા પાણી છોડવામાં આવતાં બેસી જતા તેમજ ઍપ્રોચ તૂટી જતાં કામગીરી અને દેખરેખ કરતાં અધિકારીઓ સામે અનેક સવાલો સામે આવી રહ્યા છે.
મેટલ તેમજ વેટમિક્સ નાંખી સમારકામ કર્યું હતું : ગત વર્ષે ચોમાસામાં કોન્ટ્રાક્ટર દ્વારા પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા મેટલ તેમજ વેટમિક્સ નાંખી સમારકામ કર્યું હતું. સ્થાનિકો દ્વારા તમામ પોલ ખોલી દેવાતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ત્યારે આ પુલની ગુણવત્તાની યોગ્ય ચકાસણી કરી જે કોન્ટ્રાક્ટરે કામગીરી કરી હોય તેની સામે કાર્યવાહી કરી વહેલી તકે બ્રિજનું સમારકામ કરાવી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે તેવી લોકોની માગ છે.