લુણાવાડાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહી પોષણ-દેશ રોશન’ના સ્વપ્નને સાકાર કરવા અને કુપોષણને દેશવટો આપી ભાવિ પેઢીને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવવાના આશયથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાત પોષણ અભિયાન-2020’નો દાહોદ ખાતે શુભારંભ કરાયો હતો. જેમાં રાજ્યવ્યાપી સુપોષિત ગુજરાતના નિર્માણની નેમ સાથે ત્રિ દિવસીય પોષણ અભિયાનનું 30 જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી સુધી આયોજન કરાયું છે.
![મહીસાગરમાં ત્રિ દિવસીય ‘ગુજરાત પોષણ અભિયાન થકી 2247 બાળકોને વાલીઓએને દત્તક અપાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5928415_mhi.jpg)
ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયત્નોથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંકલિત બાળ વિકાસ સેવા યોજના અમલમાં આવી છે. જે અંતર્ગત બાળકના સર્વાગી વિકાસ માટે પૂરક પોષણ આહાર, આરોગ્ય, પોષણ, શિક્ષણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવા પૂરી પાડવામાં આવે છે. મુખ્યપ્રધાનની પ્રેરણાથી સંવેદનશીલ અભિગમ અપનાવી સરકાર દ્વારા રાજ્યમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સામાજિક દાયિત્વ સાથે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
મહીસાગર જિલ્લામાં ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત વિવિધ ગામોમાં યોજાયેલા આ અભિયાનના ભાગરૂપે 28 જિલ્લા પંચાયત બેઠકના 689 ગામોના અને 3 નગરપાલિકા વિસ્તારની 1316 આંગણવાડી કેન્દ્રોના 2247 અતિ કુપોષિત બાળકોને પાલક વાલીઓએ દત્તક લઇ તેઓની સારસંભાળ લેવા સંકલ્પબધ્ધ કરી સન્માનપત્ર સાથે પોષણ માર્ગદર્શક બનાવાયા છે. મહાનુભાવોએ જનભાગીદારીના ઉત્કૃષ્ઠ ઉદાહરણ તરીકે પાલક વાલીની વાત જણાવી હતી. જેમાં એક બાળક એક પાલકની વાત કરી છે ત્યારે ગામના અલ્પ પોષિત બાળકને દત્તક લઇને સતત તેના સંપર્કમાં રહી દર અઠવાડિયે ઓછામાં ઓછી એક-બે વાર મુલાકાત લઇ તેના માતા-પિતાને મળી બાળકના વૃદ્ધિ વિકાસની દેખરેખ રાખવા સુચવ્યું હતું.
આમ, આ પોષણ અભિયાનમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગુજરાત પોષણ અભિયાનની જાણકારી આપી જનજનને આ અભિયાનમાં સહભાગી થઇ કુપોષણથી જળમૂળથી નાશ કરવાના સરકારના પ્રયાસોમાં સંમેલિત થવા આહવાન કર્યુ હતું.