લુણાવાડાઃ મહીસાગર જિલ્લામાં NSFA અને NON NSFA BPL રેશનકાર્ડ ધારકો મળી કુલ 1,40,395 રેશનકાર્ડ ધારકોની 6.97 લાખથી વધુ જનસંખ્યાને મે 2020 નું નિયમિત રાશન વિતરણ તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અન્ન વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરના માર્ગદર્શન અને જિલ્લા પુરવઠા અધિકારીની રાહબરી હેઠળ પુરવઠાતંત્રની ટીમો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્ડ ધારકોને મે મહિનામાં મળવાપાત્ર અન્ન ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિ દીઠ 3.50 કિલો ગ્રામ ઘઉં, 1.50 કિલોગ્રામ ચોખા તથા કાર્ડદીઠ એક કિલોગ્રામ ચણાનું વિતરણ કરવામાં આવી છે. જિલ્લામાં આવા ઘણા લાભાર્થીઓ સરકાર તરફથી આપવામાં આવતું અનાજ મેળવી રહ્યા છે.
લુણાવાડા તાલુકાના માખલીયા ગામના BPL કાર્ડધારક મહેન્દ્રભાઈ અભેસિંગ અને મલેક મુસ્તાકભાઈ કે જેઓ અનાજનાં જથ્થો લેવા આવ્યાં હતાં, તેમને પૂછતાં તેમણે જણાવ્યું કે ઘઉં-ચોખા દર મહિને રાજ્ય સરકાર તરફથી તો મળે જ છે પરંતુ આ લોકડાઉનમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્ય સરકારે વધારે અનાજ આપવાની જાહેરાત કરી છે તે અમારા માટે સારી છે. અનાજ વિતરણ કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતુ.