મહીસાગરઃ સમગ્ર ભારત તેમજ ગુજરાત રાજ્યમાં નોવેલ કોરોના વાઈરસ ફેલાયો હોવાથી WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. જેના પગલે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાઈરસ (કોવિડ-19) અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. જેમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું હતું.
લોકડાઉન સમય દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરિયાણા, શાકભાજી, દૂધ તથા મેડિકલ સ્ટોર્સ જેવી આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે સરકારની સૂચના મુજબ જાહેર જનતાને છૂટછાટ આપવામાં આવી હતી. જેનો દૂરપયોગ કરીને કેટલાંક લોકો વસ્તુઓની ખરીદીનું કારણ બતાવી બિનજરૂરી બહાર નીકળતા હતા. જેથી ખાનગી વાહનોની બિનજરૂરી અવરજવર ટાળવા માટે તંત્ર દ્વારા ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડી મહીસાગર જિલ્લાના તાલુકા મથક તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર જેવા ખાનગી વાહનોના ઉપયોગ પર તારીખ 14 એપ્રિલ સુધી સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પગલે જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુરના નગરપાલિકા વિસ્તારમાં તેમજ ખાનપુર, વિરપુર, કડાણા તાલુકા મથકમાં લુણાવાડા નગરપાલિકા તેમજ તાલુકા મથક માટે ખાનગી વાહનોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.