મહિસાગર: દિવાળીમાં લોકો મીઠાઈ, ફરસાણ, નમકીન આરોગતા હોય છે. ત્યારે તહેવારોની સિઝન પૂર્વે મહીસાગરમાં આરોગ્ય વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટે દરોડાની કામગીરી શરૂ કરી છે. લોકોના સ્વાસ્થ્યને નુકસાન ના થાય તેના માટે મહીસાગર જિલ્લામાં વિવિધ ફરસાણની 47 દુકાનોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. જિલ્લામાં અલગ અલગ દુકાનો માંથી માવા મીઠાઈ, પાણીની બોટલ તેમજ તેલના 60 નમૂના લેવામાં આવ્યા છે. જેને ખાદ્ય ચીજોના નમૂના તપાસ અર્થે મેળવી ફૂડ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમજ બિન આરોગ્યપ્રદ 65 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ પણ કરવામાં આવ્યો છે.
ફૂડ લેબમાં મોકલાયા નમૂના: તહેવારોની સિઝનમાં શહેરીજનો મીઠાઈ, ફરસાણ, નમકીન, બેકરી પ્રોડક્ટ, ખાદ્ય તેલ અને મસાલાની વસ્તુઓ આરોગતા હોય છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. બુધવારે પણ જીલ્લાના વિવિધ શહેરોમાં અલગ-અલગ જગ્યાએ દરોડા કામગીરી કરવામાં આવી છે. જેમાં માવાની મીઠાઈ,પાણીની બોટલ, અને તેલ ખાદ્ય ચીજોના નમૂના તપાસ અર્થે મેળવી ફૂડ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.
ફૂડ વિભાગનો આગ્રહ: ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર માવા વાળી મીઠાઈ ખરીદીને ઘરમાં પડી ના રાખવી જોઈએ.ત્રણ દિવસમાં જ ઉપયોગ થઈ જાય એવો આગ્રહ રાખે એ જરૂરી છે. કારણ કે માવાની મીઠાઈની આરોગ્યપ્રદ આવરદા ઓછી હોય છે. આ સ્થિતિમાં માવા મીઠાઈ જ્યાંથી લાવો ત્યાંથી ફ્રેશ લાવો અને તરત એનો ઉપયોગ કરો એ જરૂરી છે.
5 કિલો ખાદ્ય-પદાર્થોનો નાશ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલ દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને ખાદ્ય-પદાર્થોનું ચેકિંગ સતત હાથ ધરવામાં આવેલ છે. જેમાં મહિસાગર જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઉત્પાદન તથા વેચાણ કરતા ફુડ બિઝનેશ ઓપરેટરોના 47 એકમોમાં તહેવાર દરમ્યાન કડક તપાસ કરી વપરાતા રો-મટીરિયલ્સ જેવા કે ઘી,બેસન, તથા મીઠાઈ-ફરસાણનના 26 નમુના લઈ તપાસ અર્થે ફુડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. વધુમાં દિવાળીના તહેવાર નિમિત્તે ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ (મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરી ) ધ્વારા મીઠાઇ, માવો, પાણી, ચટણી, બળેલું તેલ વગેરેના 60 નમૂના સ્થળ પર જ તપાસ્યા હતા અને બિન આરોગ્યપ્રદ 65 કિલો ખાદ્ય-પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે.