લૂણાવાડા: મહીસાગર જિલ્લામાં ચાલુ ચોમાસામાં વરસાદ ખૂબ જ નહિવત વરસ્યો છે તેવા સમયે ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ પડતાં ખેડૂતોએ વરસાદની રાહ જોઈ રીંગબોર તથા કૂવાના પાણી મૂકી ખેતરોમાં ડાંગરની વાવણી શરૂ કરી હતી. પરંતુ વીજ પુરવઠો 8 કલાક આવવાના કારણે ખેડૂતોને પૂરતા વિસ્તારમાં ખેતી કરી શકતાં ન હતાં. લૂણાવાડાના તથા ખાનપુર તાલુકાના ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં ખેતી કરતા હોવાથી અને ચોમાસામાં ઓછો વરસાદ પડવાથી ખેડૂતોને આર્થિક નુકશાન જઇ રહ્યું હતુું.
ખેડૂતોના હિતને ધ્યાને લઈ લૂણાવાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક દ્વારા 8 કલાકનો વીજ પુરવઠો વધારી 12 કલાક આપવા ઊર્જાપ્રધાન સૌરભ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ કેબિનેટ દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજથી 8 કલાકની જગ્યાએ ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે. સરકારના નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.