- જિલ્લામાં ચોમાસાના વરસાદ પર આધારીત ખેતી
- ખેડૂતોએ ખેતરોમાં ટ્રેક્ટર વડે ખેડ કરી સમારકામ શરુ કર્યું
- જમીનને ફળદ્રુપ બનાવી વાવેતર કરવાની તૈયારી કરી
મહીસાગરઃ સમગ્ર રાજ્યની સાથે સાથે મહીસાગરમાં ચોમાસાની શરૂઆત થતાં જિલ્લાના ખેડૂતો ચોમાસુ પાકની વાવણી માટેની તૈયારી કરતા જોવા મળ્યા છે. જિલ્લામાં મોટાભાગની જમીન પર ચોમાસાના વરસાદ આધારીત ખેતી થતી હોય છે. જિલ્લામાં મોટા ભાગની જમીન પર વરાપ આવતા ખેડૂતોએ ખેતરોમાં સમારકામ અને ટ્રેક્ટર વડે ખેડ કરવાની સાથે છાંણીયા ખાતરનો ઉપયોગ કરી જમીનને ફળદ્રુપ બનાવી વાવેતર કરવાની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. આ સાથે જમીનમાં ઉગેલા નકામા ઘાસને નિંદણ કરી તેમજ અન્ય સુકા ઘાસના કચરાને બાળી જમીનને ફળદ્રુપ બનાવવાની કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા છે.
આ પણ વાંચોઃ વાવાઝોડા પછી ચોમાસુ ઢુંકડું હોવાની શંકાએ ખેડૂતોએ ખેતરમાં કામગીરી આરંભી
જિલ્લામાં ખેડૂતો દ્વારા કપાસ, મકાઈ, મગફળી, બાજરી, અને તલનું વાવેતર માટે તૈયારીઓ
મહીસાગર પંથકમાં ચોમાસુ બેસતાં ખેડૂતોએ કપાસ, મકાઈ, મગફળી, બાજરી, તેમજ તલનું વાવેતર કરવાની તૈયારી કરી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે વરસાદ સારો થાય તો પાકની ઉપજ સારી મળે, પરંતુ અમારા વિસ્તારમાં નીલગાયનો બહું ત્રાસ છે. નીલગાયો અમારા તૈયાર પાકને ખાઈ જાય તો અમારા હાથમાં કશું આવતું નથી.
આ પણ વાંચોઃ 15 જૂનથી રાજ્યમાં ચોમાસુ સક્રિય થાય તેવી શક્યતાઓ
ખેડૂતનું નિવેદન
આ અંગે બાલાસિનોર તાલુકાના સિમડીયા ગામના ખેડૂત વિક્રમ પટેલે જણાવ્યું કે, અમારા વિસ્તારમાં વરસાદની મોસમ શરુ થઈ ચુકી છે. જેથી અમે ખેતરોમાં સમારકામ અને ટ્રેક્ટર વડે ખેડ કરવાની સાથે જમીનને ફળદ્રુપ બનાવી વાવેતર કરવાની તૈયારી શરુ કરી છે. આ વર્ષે કપાસ, ડાંગર અને મગફળીનું વાવેતર કરવાનું છે. જો આ વર્ષે વરસાદ સારો થાય તો અમને ફાયદો થાય તેમ છે.