- મહિસાગરમાં ખેડૂતોની મગફ્ળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો શુભારંભ
- દેગમડા ગોડાઉન સેન્ટરમાં 504 ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું
- બજારમાં 20 કિલો મગફ્ળીનો ભાવ રૂ. 700થી 800
- સરકાર દ્વારા ટેકાનો ભાવ રૂ. 1055 નક્કી કરાયો
- ખેડૂતોને મગફ્ળીના સારા ભાવ મળતા ખેડૂતમાં ઉત્સાહનું વાતાવરણ
લુણાવાડાઃ આ પ્રસંગે ધારાસભ્ય જિગ્નેશ સેવકે જણાવ્યું હતું કે, મહિસાગર જિલ્લામાં ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમ દ્વારા ખાનપુર તાલુકાના દેગમડામાં ટેકાના ભાવે જિલ્લાના ખેડૂતોની મગફ્ળી ટેકાના ભાવે ખરીદવાનું સેન્ટર અપાયું છે. તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી યોજનાઓને કારણે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી રહ્યા છે, જેને લઈ ખેડૂતમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
મગફળી પાકના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી
આ દેગમડા અનાજ ગોડાઉન સેન્ટરમાં 504 ખેડૂતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેડૂતોને બજાર કરતા સારો ભાવ મળી રહ્યો છે. બજારમાં 20 કિલો મગફ્ળીનો ભાવ રૂ. 700થી 800 છે. જ્યારે સરકાર દ્વારા મગફ્ળીનો ટેકાનો ભાવ રૂ. 1055 નક્કી કરાયો છે. ખેડૂતને કોઈ પણ પ્રકારની તકલીફ પડ્યા વગર પોતાના મગફ્ળી પાકના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. આ પ્રસંગે લુણાવાડા પ્રાન્ત અધિકારી મોઢિયા, જિલ્લા પૂરવઠા અધિકારી આર. બી. અસારી, વિરપુર APMCના ચેરમેન અશોક જોશી, દેગમડા સરપંચ અને ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા.