સરકાર દ્વારા ટીવી, મીડિયામાં જાહેરાત કરી લોકોને સફાઈ રાખવા અંગે જાગૃત કરવા લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. પરંતુ તંત્રના અધિકારીઓની બેદરકારીના કારણે કચરો નાખી દેવાતા લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે બાલાસિનોર નગરપાલિકા દ્વારા બાલાસિનોર ભાંથલા રોડ પર નગરનો વેસ્ટ ભીનો તેમજ સૂકો કચરો ઠાલવવામાં આવે છે. નગરપાલિકાએ નગરના રોજ ઉદ્ભવતા કચરાને નાંખી તેને બાળી નાખવાનો હોય છે.
આ માટે પાલિકાએ તારની વાડ કરી જગ્યા નક્કી કરેલી છે. પરંતુ પાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે તે કચરો નક્કી કરેલી ચોક્કસ જગ્યાને બદલે તેને રોડની સાઈડ પર નાખવામાં આવે છે. જેમાં પ્લાસ્ટિક, બાયોવેસ્ટ, કાચ, કાગળો હોય છે. આ ઉપરાંત તે કચરામાં પ્લાસ્ટિકની થેલીઓમાં નાંખેલા વાસી ખોરાકને ખાવા માટે શ્વાન, ખચ્ચર, ગાય તેમજ અન્ય પશુપક્ષીઓ ભેગા થાય છે. જેથી રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે.
ત્યારે બીજી તરફ પશુ-પક્ષી પ્રેમીઓમાં નારાજગી વ્યાપી છે. આ કચરામાં બાયોવેસ્ટમાંના ઝેરી તત્વો જે ખોરાક સાથે ભળતા હોય છે. જેને પશુ પક્ષીઓ આરોગતા તેને બીમારી થઈ તેનું મોત પણ થઈ શકે છે. જેથી લોકોની માગ છે કે, અધિકારીઓ જાગૃત બની કચરાનો યોગ્ય જગ્યાએ ઠાલવી તેનો નિકાલ કરાવે . જેથી પર્યાવરણ સચવાઇ અને પશુઓનો જીવ પણ બચાવી શકાય.