- મહીસાગરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી
- 72મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી
- જિલ્લા મેજીસ્ટ્રેટ આર.બી.બારડે ધ્વજ વંદન કરી તિરંગાને સલામી આપી
મહીસાગર: જિલ્લામાં 72મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે કોરોના અંતર્ગત જાહેર કરાયેલ ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આર.બી.બારડે ધ્વજ વંદન કરી તિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન કર્યા બાદ બારડે પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી.
ડૉ. આંબેડકર, સરદાર પટેલને ભાવાંજલિ અર્પણ કરી
72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર આર.બી.બારડે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરીકોને શુભકામના પાઠવી સંબોધતાં જણાવ્યું હતું કે, આજના આ પર્વની ઉજવણી લુણાવાડા ખાતે થઇ રહી છે. તે આપણા બધા માટે ગૌરવની વાત છે. તેમજ ભારતની આઝાદી માટે જાન ન્યોછાવર કરનારા અનેક નામી અનામી શહિદોને શ્રધ્ધા સુમન અર્પણ કરૂ છું. સરદાર વલ્લભભાઇ પટેલે દેશી રજવાડાંઓનું એકત્રીકરણ કરીને દેશની એકતા અને અખંડિતતા ટકાવી રાખવાનું જે ભગીરથ કાર્ય કર્યું હતું ત્યારે આપણા સૌની પણ પવિત્ર ફરજ બની રહે છે કે, દેશની એકતા અને અખંડિતતા ટકાવી રાખવા માટે આપણે સૌ સંકલ્પબધ્ધ થઈએ. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ડૉ. ભીમરાવ આંબેડકર માત્ર બંધારણ નિર્માતા, અસ્પૃશ્યશતા સામે લડનાર એક સામાજિક યોધ્ધા, અર્થશાસ્ત્રી કે મહિલા સશકિતકરણ માટે ઝઝૂમનાર નેતા કે દલિત નેતા જ નહી પણ તેઓ એક મહાન રાષ્ટ્ર નિર્માતા હતા. તેમના દરેક કાર્ય અને વિચારના કેન્દ્રમાં નેશન ફર્સ્ટ રહ્યું હતું. તેવા ડૉ. ભીમરાવ આંબેડકરને પણ આ તકે યાદ કરી તેમને ભાવાંજલિ અર્પણ કરૂં છું.
અંગ્રેજો અને આદિવાસીઓ વચ્ચે સંઘર્ષ
ઇ.સ. 1913 માં સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હીલ્સ ખાતેનો સ્વાપતંત્ર્ય સંગ્રામ એ ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસની ઘટના છે. આ સંગ્રામમાં ગોવિંદ ગુરૂની રાષ્ટ્ર ભકિતની પ્રેરણાથી અંગ્રેજો અને આદિવાસીઓનો સંઘર્ષ થયો હતો. જેમાં ગોવિંદ ગુરૂ સહિત 1507 જેટલા આદિવાસીઓએ દેશપ્રેમ માટે શહાદત પામ્યા્ હતા.
કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું
મહીસાગર જિલ્લામાં મહાનુભાવો અધિકારીશ્રીઓના હસ્તે કોરોના સંદર્ભેવિશિષ્ટકામગીરી કરનાર આરોગ્ય વિભાગના 31 જેટલા કોરોના વોરીયરને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યુ
આ કાર્યક્રમ પ્રસંગે કલેક્ટર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહીસાગર લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસવડા આર.પી.બારોટ, અધિક નિવાસી કલેકટર આર.આર.ઠક્કર, પ્રાંત અધિકારી મોઢીયા, આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહીને આ રાષ્ટ્રીય પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી.