લુણાવાડાઃ મહીસાગર જિલ્લામાં કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. કોરોના સામેની લડતમાં જિલ્લા તંત્ર સતર્ક રહી કોરોના મહામારીને પહોંચી વળવા સક્ષમ છે. જિલ્લાના ખાનપુર તાલુકામાં નરોડા-બાકોર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવતાં તે વિસ્તારને કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે.
આ કન્ટેઇન્મેન્ટ એરિયામાં કોરોના સંક્રમણને ફેલાતો રોકવા આરોગ્યતંત્ર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. કન્ટેઇન્મેન્ટ એરિયામાં થયેલા કોરોના સંદર્ભની આરોગ્યલક્ષી કામગીરીના નિરીક્ષણ માટે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ નરોડા-બાકોરની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ ગામોમાં ગ્રામજનોને કોરોના સંદર્ભે રાખવાની સાવચેતી માટેના અનેક પગલાં માટે ચર્ચા વિચારણા કરી કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય તેની વિસ્તૃત સમજ આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ આરોગ્ય ટીમ દ્વારા થયેલી જમીન સ્તરની કામગીરીનું નિરીક્ષણ કરી ઉપસ્થિતોને જરૂરી સલાહ સૂચન સાથે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત વેળાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નોડલ અધિકારી ચાવડા તેમજ આરોગ્ય વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.