મહીસાગરઃ કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં ગ્રામજનો કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રહે તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારીની સીધી દેખરેખ હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે આયુર્વેદિક ઉકાળાનું, હોમિયોપેથીક આરસેનીકઆલ્બ્મની ગોળીઓ, સમસમવટીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
લુણાવાળા તાલુકાઓના ગામોમાં આરોગ્ય તંત્રના કર્મઠ કર્મયોગી સહિત શિક્ષકો, સરપંચો અને ગ્રામજનોના સહયોગથી સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરી જિલ્લાવાસીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
15મી મેના રાત્રિ દરમિયાન સંતરામપુરના કન્ટેન્ટ એરીયા શિકારી ફળિયામાં તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં આરોગ્યની 15 ટીમ દ્વારા 200 ઘરોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આર્સેનિક આલ્બમનો સિંગલ ડોઝ ગળાવવામાં આવ્યો હતો. જેને સર્વે નાગરિકોએ સહકાર આપી આરોગ્ય વિભાગના આ નવતર પ્રયોગને આવકાર્યો હતો.
આ ઉપરાંત સંતરામપુર તાલુકાના અડોર પાદેડી, બેણદા ગામમાં 1968 અને નરસિંગપુર ગામમાં-2080
મળી કુલ 4048 ગ્રામજનોને ઉકાળા પીવડાવવામાં આવ્યા હતા. આમ, જિલ્લાનાં આરોગ્ય તંત્ર જિલ્લાના પ્રજાજનોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને કોરોના સંક્રમણથી સુરક્ષિત રહે તે માટે સતત કાર્યશીલ રહીને પોતાની ફરજ અદા કરીને સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બની રહ્યા છે.