લુણાવાડા: કોરોના મહામારી સામે નાગરિકોના આરોગ્યની સુરક્ષાની કામગીરી સાથે સાથે વિકાસના કામો પણ ચાલી રહ્યા છે. ત્યારે આ કામોની સમીક્ષા કરવા ઉપરાંત પંચાયતના કર્મચારીઓનો ઉત્સાહ જળવાઇ રહે તે માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પટેલે મહીસાગર જિલ્લાના સરસણ અને ચુથાના મુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ ગામમાં કોવિડ-19 અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ કીચન ગાર્ડનની મુલાકાત લીધી હતી.
ત્યારબાદ તેમણે લીમડી ગ્રામપંચાયતની મુલાકાત લઇ આયોજન, નાણાપંચ અને ટીએએસપીના કામોની ચકાસણી કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. લીમડી ગ્રામ પંચાયતની મુલાકાત લીધા બાદ સંતરામપુર અને કડાણા તાલકા પંચાયતની મુલાકાત લઇ તાલુકા વિકાસ અધિકારીઓ, બાળ વિકાસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક કરી ઇ-ગ્રામ સેન્ટરો કાર્યરત કરવા, ગ્રામ પંચાયતના વીજ કનેક્શન, ગામતળ નીમ કરવા બાબતના કામોની સમીક્ષા કરી પબ્લીક ગ્રિવીઅન્સના પ્રશ્નોની ચર્ચા કરવાની સાથે તકેદારી પ્રકરણની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ જિલ્લામાં ચાલી રહેલા પોષણ માહ અંતર્ગત શપથ લેવડાવ્યા હતા અને પોષણ માહ ઉજવણી કાર્યક્રમની કામગીરીની સમીક્ષા કરી હતી.