મહીસાગરઃ જિલ્લાના કડાણા ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદને કારણે પાણીની આવક નહિવત છે. ડેમમાં પાણીની આવક ૩૦૦૦ ક્યુસેક છે ઉપરવાસમાં તેમજ મહીસાગર જિલ્લામાં વરસાદ ઓછો હોવાથી જળ સ્તરમાં ઘટાડો નોંધાયો છે. આજના દિવસે ડેમ ફ્લડ રુલ લેવલ સપાટી 419 ફૂટ જેટલો ભરેલો હોવો જોઈએ જેના બદલે કડાણાડેમની હાલની સપાટી 382.2 ફૂટ છે એટલે કે, ડેમ 36.8 ફૂટ જેટલો ખાલી છે.
ઉલ્લેખનીય છે કે, ગત ચોમાસામાં આ સમયે ડેમ ફ્લડ રુલ લેવલની નજીક પહોંચતા ડેમમાંથી 3 લાખ ક્યુસેકથી વધારે પાણી મહીમાં છોડવામાં આવ્યું હતું અને સમગ્ર ચોમાસાની સિઝન દરમિયાન 5 વાર ડેમ ફરી ભરી શકાય તેટલું પાણી મહીનદીમાં છોડવામાં આવ્યું હતું જ્યારે હાલ ડેમની જળ સપાટી ફક્ત 382.2 ફૂટ અને જળ સંગ્રહ 32.17 ટકા છે. જો આગામી સમયમાં ઉપરવાસમાં તેમજ જિલ્લામાં વરસાદ સારો નહીં થાય અને ડેમ નહીં ભરાય તો મહીસાગર જીલ્લા તેમજ ગુજરાત રાજ્યના નવ જીલ્લાઓને પીવાના પાણીથી લઈને સિંચાઇનું પાણી નહીં મળી રહે અને મોટા જળસંકટની કટોકટી સર્જાશે.