મહીસાગરઃ મહીસાગર જિલ્લાના બાલાસિનોરના પીપળા ખડકી વિસ્તારમાં ઘરે-ઘરે જઈને રસોઈ બનાવી પોતાનું ગુજરાન ચલાવતા એક વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર બાલાસિનોરમાં હાહાકાર મચી ગયો હતો.
વૃદ્ધાના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિના સેમ્પલ લઇ લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલમાંથી બીજા ચાર અન્ય કેસ પોઝિટિવ આવતા બાલાસિનોર સહિત જિલ્લાનું તંત્ર એકશનમાં આવી ગયું હતું. આ ચારેયના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટીન કરી તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં તમામ રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર અને નગરપાલિકા તથા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તમામને આગામી 14 દિવસ સુધી હોમ કોરોન્ટાઈનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં એક પણ કેસ પોઝિટિવ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, શનિવારે જિલ્લાના સંતરામપુરના બ્રાહ્મણવાડા વિસ્તારમાં 25 વર્ષના યુવાનનો સ્થાનિક સંક્રમણના કારણે રિપોર્ટ પોઝિટિવ આવતા કેસમાં વધારો થયો હતો. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 10 થયો છે.