મહીસાગર: મહીસાગર જિલ્લામાંથી કોવિડ-19ને લઈને સારા સમાચાર આવ્યા છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી સાત સગર્ભા મહિલાએ કોરોના સામે જંગ જીત્યો છે. તેઓને બુધવારે ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. આ સાથે જિલ્લામાં એક જ દિવસમાં 13 દર્દીઓ સ્વસ્થ થતાં કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 91 પર પહોંચી છે. તેમજ જિલ્લામાં કોરોના ડિસ્ચાર્જ રેટ 74 ટકા થયો છે.
આ ઉપરાંત જિલ્લામાં આજ સુધી બે દર્દીઓના મૃત્યુ થયા છે. હવે જિલ્લામાં કોરાનાના 29 દર્દીઓ એક્ટીવ છે. જેમાંથી 21 દર્દીઓ હાલ કે.એસ.પી. હોસ્પિટલ ખાતે તેમજ 8 દર્દી ગોત્રી મેડીકલ કોલેજ ખાતે અને એક દર્દી વડોદરા ખાતે આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. તમામની હાલત સામાન્ય છે.