લુણાવાડા શહેરની સ્કૂલ કિસાન માધ્યમિક વિદ્યાલયના બિલ્ડીંગની બાજુમાં આવેલા નગરપાલિકા હસ્તકના ઇન્દિરા મેદાનમાં લુણાવાડા નગરપાલિકા દ્વારા ટાઉન હોલ બનાવવા માટે વીશાળ ખાડા ખોદવામાં આવ્યા છે અને આ ખાડાઓમાં પાણી ભરાઈ રહે છે. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી કિસાન માધ્યમિક વિધાલયમાં અભ્યાસ કરતા 2000થી વધુ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને જેનો સામનો વિદ્યાર્થીઓને કરવો પડી રહ્યો છે.
આ બાબતની જાણ સ્કૂલ સંચાલકો દ્વારા લેખીત કરવામાં આવી હતી. જેને લઇને લુણાવાડા નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ, આ બાબતની જાણ મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગને થતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ વિભાગની આરોગ્ય ટીમ સ્થળ પર રૂબરૂ પહોંચી અને મચ્છરોના ઉપદ્રવને ડામવા યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.