- યોજના હેઠળ ફાળવેલા 112 ટકા કામને મંજૂરી અપાઈ
- ગ્રાન્ટના કામો સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના
- આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં કામ બાબતે ચર્ચા
લુણાવાડાઃ ગાંધીનગરના સરસ્વતી હોલ ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2020-21ના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. મહીસાગર જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. કૃષિ (રાજ્ય કક્ષા) પંચાયત, પર્યાવરણ વિભાગના પ્રધાન અને જિલ્લા પ્રભારી પ્રધાન જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2020-21ના આયોજન અંગે આ બેઠક યોજાઈ હતી.
ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2020-21ના વર્ષના કુલ રૂપિયા 1478 લાખની જોગવાઈ સામે 1665 લાખનું આયોજન
મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલી આ બેઠકમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર, લુણાવાડા ધારાસભ્ય જિગ્નેશ સેવક તથા જિલ્લા કલેક્ટર આર. બી. બારડ, જિલ્લા
પોલીસ અધિક્ષક આર. પી. બારોટ, પ્રાયોજનના વહિવટદાર સહિત અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓએ ચર્ચા વિચારણામાં ભાગ લીધો હતો, જેમાં ગુજરાત પેટર્ન યોજના 2020-21ના વર્ષના કામોને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2020-21ના વર્ષનું કુલ રૂ. 1478 લાખની જોગવાઈ સામે રૂ. 1665 લાખના આયોજન એટલે કે 112 ટકા કામોને બહાલી આપવામાં આવી હતી.
ગ્રાન્ટના કામો સમયસર પૂર્ણ કરોઃ જયદ્રથસિંહ
આ અંગે પ્રધાન જયદ્રથસિંહ પરમારે કહ્યું, વર્ષ 2019-2020ના વર્ષના બાકી કામો સત્વરે પૂર્ણ થાય તે માટે જેતે વિભાગ દ્વારા સત્વરે ઘટતી પ્રક્રિયા હાથ ધરવા તેમ જ આ યોજના હેઠળ ફાળવેલી ગ્રાન્ટના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સુચના આપવામાં આવે છે. ગત બેઠકની આદિજાતિ વિકાસ મંડળની કાર્યવાહી નોંધ વંચાણે લઈ બહાલી આપવા, 2018-19 અને 2019-20ના કામોની પ્રગતિની સમીક્ષા, વર્ષ 2019-20માં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં મંજુર થયેલા કામો પૈકી ફેરબદલના કામો, વર્ષ 2017-18થી વર્ષ 2019-20ના વર્ષમાં આયોજન બાકી હોય તેવી ગ્રાન્ટનું આયોજન કરવા બાબતે ચર્ચા વિચારણા કરી બહાલી આપવામાં આવી હતી.