- લાલસર ખાતે શિક્ષણ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
- ત્રીજા તબક્કાના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
- કેમ્પમાં 93 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું
મહીસાગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ પ્રેરિત મહીસાગર જિલ્લા શિક્ષણ આધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી સ્કૂલ લાલસર ખાતે ત્રીજા તબક્કાના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આયોજન રાજ્યના શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં 93 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતુ.
કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવી
કલેકટર આર.બી.બારડે કોવિડ-19 જનઆંદોલન અભિયાન અંતર્ગત જનજનમાં લોકજાગૃતિ આવે અને કોરોના સંક્રમણને અટકાવવા માટે સમાજના તમામ લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધોવે, સેનેટાઇઝરનો ઉપયોગ કરે અને 6 ફૂટના અંતરનું પાલન કરે તે માટેનો સંદેશો સમાજના ઘર-ઘર સુધી પહોંચાડવા અંગેનો સંદેશો શિક્ષકોને પાઠવ્યો હતો.
DDO રકતદાતા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા
જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ કોરોના વાયરસની આ મહામારી વચ્ચેા શિક્ષકોએ કરેલા કામગીરીને બિરદાવી શિક્ષણ વિભાગ દ્વારા કોરોના વાયરસની મહામારી વચ્ચે જરૂરિયાતમંદ લોકોને સમયસર રકત મળી રહે તે માટે રકતદાન કેમ્પો કરવામાં આવેલા આયોજનને બિરદાવી રક્તદાતા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
325 શિક્ષકોએ રકતદાન કરી રકતદાન-મહાદાન મંત્રને ચરિતાર્થ કર્યો
શિક્ષણ વિભાગના ઉપક્રમે યોજાયેલ ત્રણ રકતદાન કેમ્પસ દરમિયાન 325 યુનિટ રકતનું દાન જિલ્લાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યુ હતું. આ ત્રણેય બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં જિલ્લાના શિક્ષકોને ભાગ લેવા બદલ મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ શિક્ષણ વિભાગ દ્વારા આભાર સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ ત્રણેય રક્તદાન કેમ્પ દરમિયાન ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખ જે.પી.પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાય.એચ.પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી પી.એન.મોદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શશિકાંતભાઇ પટેલ, જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ મહેશભાઇ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના કે.એમ.પટેલ, જિલ્લા શિક્ષણ આધિકારીની કચેરીના જે.એસ.પટેલ સહિત શિક્ષકો ઉપસ્થિત રહીને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.