મહીસાગરઃ જિલ્લામાં જેઠોલી ગામે આવેલા સતકૈવલ મંદિરના ગુરુ ધર્મપ્રિયદાસ મહારાજનો ગુરુપૂર્ણિમા પાવન પર્વને લઇને આપ સૌને શુભ સંદેશ છે કે, આપણી ગુરુ પરંપરા છે, જેના દ્વારા આપણે ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવાનું છે. આપણો દેશ વ્યસન મુક્ત બને સાથે સાથે વર્તમાન સમયમાં દેશ કોરોનાની બીમારી સામે લડી રહ્યો છે, એમાં પણ આપણે બધા સહકાર આપીએ. આપણા દેશના વડાપ્રધાન પણ તેની સામે લડી રહ્યા છે તો આપણે બધા દેશના નાગરિક તરીકે તેમના આદેશનું પાલન કરી અને એક સાથે મળીને દેશની રક્ષા કરીએ.
આ સાથે આપણે બધા જાણીએ છીએ કે, વર્તમાન સમયની પરિસ્થિતિમાં આપણા દેશની બોર્ડર ઉપર સંઘર્ષ ચાલી રહ્યો છે, દેશના સૈનિકો દેશ માટે લડી રહ્યાં છે. આપણે બધા દેશના નાગરિક છીએ તો આપણે બધાનું કર્તવ્ય છે કે આપણે આપણી રીતે આપણા સ્થાને રહીને પણ દેશનું રક્ષણ કરી શકીએ છીએ. વડાપ્રધાનનો સંદેશ છે કે, આત્મનિર્ભર ભારત બનાવીએ તેમજ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ આપણે સ્વદેશી મંત્ર આપ્યો છે. આપણા દેશનો વિકાસ કરવા માટે મજબૂત કરવા માટે આપણે સૌ સાથે મળીને લડીએ અને દેશને મજબૂત કરીએ.
ગુરુપૂર્ણિમાનો સંદેશ છે કે, જ્ઞાન સંપ્રદાય આદ્યસ્થાપક કરૂણાસાગર મહારાજ વિશ્વની અંદર જ્ઞાન આપવા માટે આવ્યાં છે. જેમનું સ્થાન ગુરુગાદી સારસાપુરી છે અને એમની શાખાનું મંદિર જેઠોલી છે. અહીંયા રહીને ભારત દેશની સંસ્કૃતિને જાગૃત કરવા માટે પ્રવૃત્તિશીલ છીએ, ત્યારે પરમગુરૂએ જે જ્ઞાનનો સંદેશ આપ્યો છે કે આપણે બધા એક જ માલિકના અંશ છીએ અને આત્મજ્ઞાન આપણને થાય તો જ સંસારના દુઃખોમાંથી આપણને હંમેશને માટે મુક્તિ મળે, વિશેષતઃ લોકોમાં એક આત્મજ્ઞાન થાય એ જ ગુરુ પરંપરાનો ઉદ્દેશ છે.