રાફેલ સોદા અંગેની સંપુર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય સાબિત થઈ છે. દેશની રક્ષા સાથે જોડાયેલા રાફેલ ખરીદી અંગે કોંગ્રેસ પક્ષ અને તેના તત્કાલીન અધ્યક્ષ દ્વારા સતત જૂઠું બોલીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે મર્યાદાહીન શબ્દોનો પ્રયોગ કરીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા રાફેલ વિમાન પર પુનઃવિચાર કરવા અંગેની વિવિધ અરજીઓ ફગાવી દેવામાં આવી અને સર્વોચ્ચ અદાલતે પોતાના નિર્ણયમાં આ વિષયની તપાસ અંગેની માગને બિનજરૂરી ગણાવી છે.
કોંગ્રેસ પક્ષ અને તેમના નેતા રાહુલ ગાંધીએ સાર્વજનિક રીતે જાહેરમાં દેશની જનતાની માફી માગવી જોઈએ તેવી માગ સાથે મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા લુણાવાડામાં બે કલાકનો ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવક, સંતરામપુર ધારાસભ્ય ડો.કુબેરભાઈ ડીંડોર, મહીસાગર જિલ્લા ભાજપ મહામંત્રી અને સમગ્ર જિલ્લાના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.