મહીસાગર : બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં કેટલાક નગરજનો દ્વારા પાલિકાનો ટેક્સ સમયસર ભરવામાં ન આવતો હોવાથી પાલિકાની તિજોરી પર ભારણ વધતાં પાલિકાના કર્મચારીઓને પગાર કરવા ભારે તકલીફ પડી રહી છે. જેના કારણે બાકી મિલકત વેરાની રિકવરી કરવા નગરપાલિકાના કર્મચારીઓની ટીમ દ્વારા વેરો બાકી હોય તેવા વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી ઢોલ-નગારા વગાડી વેરા વસુલાતની કડક કાર્યવાહી થઈ રહી છે. સ્થળ પર વેરો ન ભરનારના નળ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે.
બાલાસિનોર નગરપાલિકાના ચીફ ઓફિસરનાં જણાવ્યાં મુજબ, આ અભિયાન દરમિયાન ટેક્સ ન ભરનાર બાકીદારોના નળ કનેક્શન હાલમાં કાપી નાખવામાં આવ્યા છે. આગામી સમયમાં વોર્ડ મુજબ રૂપિયા 10 હજારથી વધારે વેરો બાકી હશે, તેવા બાકીદારોના સંબંધિત વોર્ડમાં નામ સાથેના બેનરો લગાવી કાર્યવાહી કરવામાં આવશે. તારીખ 31 માર્ચ પછી ગુજરાત પાલિકા અધિનિયમ 1963ની કલમની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને વોર્ડ પ્રમાણે બાકીદારોના નામજોગ બેનર લગાવી ટેક્સ વસુલવામાં આવશે.
જૂના 5 કરોડ રૂપિયા અને ચાલુ વર્ષના 1.80 કરોડની વસૂલાત બાકી છે. પરિણામે આ વસૂલાત માટે પાલિકાએ ટીમ બનાવી વેરો બાકી હોય તેવા વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી ઢોલ-નગારા વગાડી કડક વસુલાત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ 17 લાખ જેટલી રકમ રિકવરી કરવામાં આવી છે. ટેક્સ ન ભરનાર 57 બાકીદારોના નળ કનેક્શન કાપી નાખ્યા છે.